અંજાર ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ૧૩ ગામના સરપંચને રૂ. ૧૧૮ લાખના વિકાસ કામના વર્કઓર્ડર એનાયત

    આજરોજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરીમામય ઉપસ્થિતિમાં અંજાર તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૩ ગામના સરપંચશ્રીઓને અંદાજે રૂ. ૧૧૮ લાખના વિવિધ વિકાસલક્ષી કામોના વર્કઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતાં.

આ તકે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અંજાર તાલુકા પંચાયત દ્વારા ડી.એમ.એફ યોજનાથી અનેક વિકાસ કામો થઈ રહ્યા છે. ડી.એમ.એફ અંતર્ગતના ગામ માટેની ઉત્તમ કામગીરી બાબતે તાલુકા પંચાયની ટીમને બિરદાવી અંજારના વિકાસમાં વધુ એક પીંછ ઉમેરાયું છે તેવું રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રાન્ટના અભાવે કોઈપણ કામ અટકે નહીં તેની કાળજી રાખીને સરકારશ્રી દ્વારા ડી.એમ.એફ વિસ્તારના વિવિધ છેવાડાના ગામમાં ગુણવત્તાયુક્ત, જરૂરિયાત અનુસાર, મેરીટ પ્રમાણે વિકાસ કામોની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહીં છે. રાજ્ય સરકારના અવિરત પ્રયોસોથી જિલ્લામાં પારદર્શક અને ઇનોવેટીવ કામગીરી થઈ રહી છે તેવું રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. ગામના સરપંચશ્રીઓને વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના વિકાસના વિઝનને અનુસરીને જવાબદારીપૂર્વક કામ કરવા રાજ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી. માળખાકીય સુવિધાઓની નોંધ લઈ રાજ્ય સરકારની વિકાસ માટેની કટીબદ્ધતા રાજ્યમંત્રીશ્રીએ દર્શાવી હતી. આ સાથે “મે નહીં હમ ટીમ ગુજરાત” ના ભાવ સાથે ચૂંટાયેલી પાંખ અને વહિવટી શાખાને કામ કરવા રાજ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેનશ્રી મશરૂભાઈ રબારીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સમયસર ગ્રાન્ટ મળતાં ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે. રાજ્ય સરકારના અવિરત પ્રયાસોથી અંજાર વિકાસના અનેક આયામો સર કરી રહ્યું છે તેવું ચેરમેનશ્રીએ ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતાં તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તાલુકા પંચાયત દ્વારા “ ઝીરો પેન્ડીંગ વર્ક ઓર્ડર” લક્ષ્ય રાખીને કામગીરી કરવામાં આવી રહી છે, ભવિષ્યમાં પણ સુવ્યવસ્થિત રીતે કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી રાજ્યમંત્રીશ્રીના સહયોગ બદલ ટી.ડીઓ.શ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાનું તાલુકા પંચાયતના સભાખંડમાં કચ્છી સંસ્કૃતિ મુજબ પાઘડી અને શાલ ઓઢાડીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

        આ કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રી દ્વારા ડી.એમ.એફ યોજના અંતર્ગત મોટી નાગલપર, મથડા, સાપેડા, વીડી, ચંદ્રાણી, દેવળીયા, કુંભારીયા, ટપ્પર, ચાંદ્રોડા, ભૂવડ, રામપર, શિનુગ્રા, નાની નાગલપર સહિત ૧૩ ગામના રોડ-રસ્તા, પાણીની લાઈન, ગટરની સુવિધા, શાળાના કામ જેવા વિવિધ વિકાસલક્ષી વર્કઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી શોભનાબા જાડેજા, તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી શામજીભાઈ ચાવડા, તાલુકા પંચાયત ઉપ.પ્રમુખશ્રી ભુરાભાઈ છાંગા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી મ્યાજરભાઈ છાંગા, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી રાણીબેન થારુ, તાલુકા પંચાયત સદસ્યશ્રી આંબાભાઈ રબારી, મહામંત્રીશ્રી રૂપાભાઈ રબારી અને કાનજીભાઈ આહીર તથા વિવિધ ગામના સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.