બજેટ 2026ને વધાવીને જીલ્લા ભાજપ અધ્યક્ષે આ બજેટને વિકસિત ભારતના રોડમેપ સમાન તેમજ સર્વે વર્ગોને સ્પર્શતું જનકલ્યાણકારી, પ્રજાભિમુખ, દુરંદેશીભર્યું ગણાવ્યું
નાણાંમંત્રી નિર્મલા સીતારામન દ્વારા સતત નવમી વખત અને દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રવિવારે રજૂ થયેલા અંદાજપત્રમાં ૨૦૪૭ ના ભારત તરફ દોરી જતા વિવિધ પાસાઓને આવરી લઇને દેશ માટે લાંબા ગાળે ફાયદાકારક અને વિકસિત ભારત માટેના એક રોડમેપ સમાન બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેને કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ દ્વારા વધાવી લઇને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ નાણાંમંત્રી નિર્મલા સિતારામનને અભિનંદન પાઠવ્યા હતા.
કચ્છ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બજેટ બજેટને લાઇવ નિહાળવાના કાર્યક્રમમાં જોડાયેલા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે આ બજેટને લોકોપયોગી, સરળ અને દરેક ક્ષેત્રને આવરી લેતું ફાયદાકારક હોવાનું જણાવી આગામી દસકાઓ સુધી તેની સુખદ અસરો જોવા મળશે તેવું જણાવ્યું હતું.
વધુમાં શ્રી વરચંદે જણાવ્યું હતું કે MACT દ્વારા મળતું વ્યાજ હવેથી સંપૂર્ણ આવકવેરા મુક્ત રહેશે, TDS સરળ બનાવવામાં આવશે, રિટર્ન ફાઈલ કરવાની મુદત વધારવા સહિતના અનેક સુધારાઓથી લોકોને મોટા પ્રમાણમાં રાહત મળી રહેશે.
મેગા ટેક્સટાઇલ પાર્ક, દરેક જીલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ, કેન્સર ની 17 દવાઓને ડ્યુટીમાંથી મુક્તિ, 7 હાઈસ્પીડ રેલવે કોરીડોરનું નિર્માણ, મહિલાઓ માટે SHE માર્ટસ દ્વારા સ્ત્રી સશક્તિકરણની દિશામાં એક ઔર આગેકદમ સહિતના બહુવિધ નિર્ણયોથી દેશના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણનો નવો અધ્યાય પ્રારંભ થશે.
નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ટેક્નોલોજી આધારિત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે, સહકારી ક્ષેત્ર માટે પણ બજેટમાં મોટી કર રાહતની જોગવાઈ કરવામાં આવી છે, સહકારી મંડળીઓ મારફતે ખેતી, ડેરી, બીજ, ખાતર વગેરેના યોગ્ય આયોજન દ્વારા ગામડામાં પૈસાનો પ્રવાહ વધશે જેથી એવું કહી શકાય કે બજેટ 2026 ખેડૂતોની આવક વધારનારો અને સહકારી સંસ્થાઓને મજબૂત બનાવી ગ્રામીણ અર્થવ્યવસ્થાને બળ આપનારું બની રહેશે.
આજ રોજ રજૂ થયેલ બજેટને અનુલક્ષીને કચ્છ જીલ્લા ભાજપ દ્વાર દરેક મંડળોમાં સૌ કાર્યકરો સાથે મળીને બજેટનું જીવંત પ્રસારણ નિહાળી શકે તેવું આયોજન ઊભું કરવામાં આવ્યું હતું જેમાં દરેક મંડળોમાં જે તે વિભાગના ધારાસભ્યો, જીલ્લાના આગેવાનો, મંડળના આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.