ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા ૨૦-૨૧ ફેબ્રુઆરીએ ‘શુષ્ક પ્રદેશોમાં આબોહવા પરિવર્તન અને આજીવિકા’ વિષય પર રાષ્ટ્રીય પરિષદ યોજાશે
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE) દ્વારા આગામી તા. ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલ ખાતે યોજાનારી આ પરિષદનો મુખ્ય વિષય “શુષ્ક પ્રદેશોમાં આબોહવા પરિવર્તન અને આજીવિકાની સ્થિતિ” (Climate Change and Livelihood Scenario in Drylands) રાખવામાં આવ્યો છે.
આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સૂકા અને અર્ધ-સૂકા વિસ્તારોમાં ક્લાઈમેટ ચેન્જને કારણે સર્જાતા પડકારો સામે લાંબાગાળાની વ્યૂહરચના તૈયાર કરવાનો છે. ખાસ કરીને રણ પ્રદેશમાં વધારો, પાણીની અછત અને જમીન ધોવાણ જેવી ગંભીર સમસ્યાઓ વચ્ચે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોની આજીવિકા કેવી રીતે સુરક્ષિત કરી શકાય તે અંગે ઊંડાણપૂર્વક મંથન-ચિંતન કરવામાં આવશે.
આ કોન્ફરન્સમાં દેશભરમાંથી ૨૦૦થી વધુ વિજ્ઞાનીઓ, શિક્ષણવિદો અને નીતિ નિર્ધારકો ઉપસ્થિત રહેશે. નિષ્ણાતો દ્વારા રિમોટ સેન્સિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. કોન્ફરન્સ દરમિયાન પર્યાવરણ અને જૈવવિવિધતાના સંરક્ષણની સાથે રણને આગળ વધતું અટકાવવા અને વનીકરણ વધારવાના ઉપાયો, પશુપાલકો, ખેડૂતો અને મહિલાઓની આજીવિકા વધારવી અને સ્થળાંતર જેવી સમસ્યાઓનું આધુનિક ટેક્નોલોજીથી કેવી રીતે નિરાકરણ લાવી શકાય તે પાસાઓ પર ભાર મૂકાશે તેમ ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી,ભુજના ડીરેક્ટરશ્રી વી.વિજયકુમાર દ્વારા જણાવાયું છે.