સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે દિશા કમિટીની બેઠક મળી


        સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે ધારાસભ્યો સર્વશ્રી તથા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી(દિશા)ની બેઠક મળી હતી. આ રીવ્યૂ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને સમય મર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદશ્રી દ્વારા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

        આજની બેઠકમાં નેશનલ હાઇવે, એરપોર્ટે ઓથોરીટી, પોસ્ટ ઓફીસ, દૂર સંચાર વિભાગ,

પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, સુર્યઘર યોજના, સંકલિત બાળ વિકાસ યોજના, પાણી પુરવઠા, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, સોઇલ હેલ્થ કાર્ડ, સ્વામિત્વ યોજના, વીબી-જી રામ જી, ખેલો ઇન્ડીયા, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના,  રેલવે ઇન્ફ્રા પ્રોજેકટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ પીવાના પાણીનો કાર્યક્રમ, અટલ ભુજલ યોજના,નેશનલ હેલ્થ મિશન, મીડ ડે મિલ સ્કીમ વગેરે સહિતની વિવિધ યોજના હેઠળ ચાલતા વિકાસ કામોનું સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આજની બેઠકમાં સાંસદશ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા તથા ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઇ પટેલ, પ્રધુમ્નસિંહ જાડેજા દ્વારા અધિકારીશ્રીઓએ રજૂ કરેલી વિગતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તથા તે કામને સંલગ્ન સૂચનો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ધારાસભ્યોશ્રીઓ દ્વારા પોતાના વિસ્તારને લગતા મુદા રજૂ કરીને જે તે વિભાગ પાસેથી તે અંગેના કામો અંગે માહિતી મેળવાઇ હતી.

આ પ્રસંગે સાંસદશ્રી વિનોદ ચાવડાએ આ બેઠકને મહત્વપૂર્ણ હોવાનું જણાવીને પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સુચનોને અધિકારીશ્રીઓ દ્વારા ધ્યાને લઇને ત્વરીત નિકાલ કરવા તથા પ્રગતિ હેઠળના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. સાંસદશ્રીએ મહત્વપૂર્ણ યોજનાઓના પ્રસાર-પ્રસાર સાથે લાભાર્થીઓ સુધી તેની પહોંચ વધારવા પર ભાર મૂક્યો હતો. ઉપરાંત કચ્છમાં રેલવેના ચાલતા વિવિધ પ્રોજેકટની સમીક્ષા સાથે સરહદી વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક મજબૂત કરીને તેને લગતા પ્રશ્નોનો ત્વરાએ નિવેડો લાવવા જણાવ્યું હતું. ઉપરાંત વિકસિત ભારત જી રામ જી યોજનાને જમીનસ્તર પર અમલીકરણ કરવા સાથે તેનો પ્રચાર-પ્રસાર કરવા ખાસ અનુરોધ કર્યો હતો. આ સાથે કચ્છની શાળામાં ખૂટતી સુવિધા, રેલવે અંડરબ્રીજમાં ભરાતા પાણીના પ્રશ્ન, સખી મંડળોની સક્રીયતા વધારવા, બેંકીગ સેવા, નેશનલ હાઇવે સહિતના પ્રશ્નો પર ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે જ કચ્છમાં પી.એમ સૂર્યઘર યોજનાનો વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લે તે માટે સક્રીયતા દર્શાવવા સહિત વિવિધ કેન્દ્રકૃત યોજનાઓ અને ક્ષેત્રોમાં થયેલી કામગીરીની સાંસદશ્રીએ વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું.

આ સાથે કલેકટરશ્રી આનંદ પટેલે વિવિધ વિભાગ હેઠળ થતા વિકાસકામો જનપ્રતિનિધિઓ સાથે સંકલન અને સહયોગમાં રહીને કરવા સાથે સરકારી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જન જન સુધી સુખાકારીના કામો સુચારૂ રીતે થાય તે બાબતે અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.

આજની બેઠકમાં ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ દ્વારા શાળા, આંગણવાડીના પ્રશ્નો, પાણીના પ્રોજેક્ટ, રેલવેને સંલગ્ન તથા રસ્તાના પ્રશ્ન, ભુજ શહેરના પ્રશ્નો, વીજવાયરના સમારકામ સહિતના વિવિધ મુદાઓ અંગેની રજૂઆત કરીને આ દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું. ધારાસભ્યશ્રી પ્રધુમ્નસિંહ જાડેજાએ પોસ્ટ ઓફીસ, એરપોર્ટ ઓથોરીટીના સીએસઆરના કામ,  આંગણવાડી કેન્દ્રો  સહિતના પ્રશ્નો રજૂ કરીને તેનો તત્કાલ નિકાલ કરવા રજૂઆત કરી હતી.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ દ્વારા ગ્રામ વિકાસ વિભાગ હેઠળની આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, દિન દયાલ અંત્યોદય યોજના સહિતની કામગીરી અંગે પ્રેઝન્ટેશન આપી પૂર્ણ કામો, નવા લક્ષ્યાંક તથા પ્રગતિશિલ કામોની છણાવટ કરીને પદાધિકારીશ્રીઓને માહિતી વાકેફ કર્યા હતા.

આજરોજ મળેલી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી મનીષાબેન વેલાણી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી પુરૂષોત્તમભાઈ મારવાડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનરશ્રી મનીષ ગુરુવાણી, જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા કમિટીના સભ્યો  હાજર રહ્યા હતા.