અત્યંત મહત્વપૂર્ણ એવી AI સમિટમાં લાંછનરૂપ વરવા પ્રદર્શનો કરવા બદલ કોંગ્રેસ પાર્ટીના વિરોધમાં કચ્છ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ભુજમાં રેલી કાઢવામાં આવી

ગઈકાલે દિલ્લી ખાતેની અત્યંત લબ્ધ પ્રતિષ્ઠિત એવી AI સમિટમાં તમામ મર્યાદાઓ નેવે મુકીને રાહુલ ગાંધીની દુષ્પ્રેરણા હેઠળ કોંગ્રેસીઓએ જે રીતે અત્યંત નિમ્ન કક્ષાએ ઉતરી જઈને વરવા પ્રદર્શનો કર્યા હતા અને ભારતવર્ષની ગરીમા અને આતિથ્ય પરંપરા પર દાગ લગાડ્યો હતો જે વિષય અંતર્ગત તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી વરચંદે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને સમગ્ર કોંગ્રેસ માટે પોતાના રાજકિય રોટલા શેકવા અર્થે દેશની પ્રતિષ્ઠા જોખમાય એ રીતે આટલી હિન કક્ષાએ ઉતરી જવું એ કોઈ નવી વાત નથી. દેશવાસીઓના જનમાનસમાંથી સદંતર, સાર્વત્રિક રીતે ફેંકાઈ જનારી કોંગ્રેસ પોતાની નિષ્ફળતાઓ પર ઢાંક પીછોડો કરવા હવે રીતસરના હવાતિયા મારી રહ્યું છે અને વિશ્વફલક પર ભારતની ઉત્કૃષ્ટ છબીને ખરડવાની મલિન ચેષ્ટા કરી રહ્યું છે જે બદલ દેશની જનતા તેઓને ક્યારેય માફ નહીં કરે.
દિલ્હી ખાટે ઘટેલ શરમજનક ઘટનાના વિરોધમાં કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ આજરોજ કચ્છ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા જીલ્લાના પાટનગર ભુજ ખાતે કોંગ્રેસ પાર્ટી અને તેમની માનસિકતા પ્રત્યે ઉગ્ર વિરોધ દર્શાવતી એક જાહેર રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આજે સાંજે જુના ભાજપ કાર્યાલય ખાતેથી પ્રારંભ થયેલી આ રેલી બસ સ્ટેશન અને હમીરસર તળાવ પાસેથી પસાર થઈને સ્વામી વિવેકાનંદ પ્રતિમા પાસે સમાપન પામી હતી. બહોળી સંખ્યામાં રેલીમાં જોડાનાર ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ કોંગ્રેસ વિરોધી સુત્રોચ્ચારો કરીને લોકો સમક્ષ કોંગ્રેસની આ પ્રકારની દેશ વિરોધી માનસિકતા ઉજાગર કરી હતી.
ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે કોંગ્રેસને દુઃખે છે પેટ અને કુટે છે માથું એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. સેવા, સુશાસન અને રાષ્ટ્રવાદના આધારે પોતાની લીટી લાંબી ન કરી શકતા રાહુલ ગાંધી અને કોંગ્રેસીઓ હવે છેલ્લી પાટલીએ બેઠા છે.
કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આમ તો કોંગ્રેસ અને દેશદાઝને જોજનો સુધી કોઈ સ્નાનસુતકનો સંબંધ નથી છતાં પણ જ્યારે વિદેશી મહાનુભાવો દેશની ધરતી પર પધાર્યા હોય ત્યારે આ પ્રકારનું અશોભનીય વર્તન કરવું એ ખરેખર અક્ષમ્ય ગણાય.
આ રેલીમાં જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અશોકભાઈ હાથી, રેશ્માબેન ઝવેરી, આશિકાબેન ભટ્ટ, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ભુજ શહેર ભાજપ મહામંત્રી રીતેનભાઈ ગોર, ભુજ તાલુકા ભાજપ મહામંત્રી અશોકભાઈ બરાડિયા, કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા મહામંત્રી રાહુલભાઈ ગોસ્વામી, જિલ્લા ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી ઈમ્તિયાઝભાઈ સોઢા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.