PGVCL ભુજ વર્તુળ કચેરી હેઠળનું રૂ.68.65 કરોડનું બાકી વીજ બિલનું નાણું વસૂલવા મેગા ડીસ કનેક્શન ડ્રાઇવનું આયોજન

PGVCL ની આગામી તારીખ 25 ફેબ્રુઆરી 2026 ના રોજ મેગા ડીસ કનેક્શન ડ્રાઇવનું આયોજન નિગમિત કચેરી ની સીધી સૂચના મુજબ કરવામાં આવ્યું છે. પીજીવીસીએલ ની ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા ગ્રાહકોમાં રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક, ખેતીવાડી વિગેરે વીજ જોડાણોમાં મોટી રકમ ગ્રાહકો દ્વારા ભરપાઈ કરવાની બાકી છે. આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં આવતી ભુજ વર્તુળ કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીઓ માં ડ્રાઈવ સમયે બાકી વીજ બિલના લેણા ધરાવતા વીજ ગ્રાહકો ના જોડાણનો પુરવઠો સ્થળ પર જ ડીસ કનેક્ટ કરવામાં આવશે. વિજ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપર કોઈપણ નાણાં સ્વીકારવામાં કે વસૂલવામાં આવશે નહીં. વીજ પુરવઠો કપાઈ ગયા પછી ગ્રાહકે સંબંધિત પેટા વિભાગીય કચેરીમાં જઈને 100% લેણા ની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ સાથે ગ્રાહકોએ નિયમ અનુસાર રી કનેક્શન ચાર્જ ભરી અને જરૂરી ઇ-કેવાયસી ડોક્યુમેન્ટસ રજૂ કરવાના રહેશે.
ગ્રાહકોને સૂચિત કરતા જણાવાયું છે કે બાકી લેણાંની રકમમાં અધુરી રકમ સ્વીકારવામાં આવશે નહીં. જ્યાં સુધી બાકી લેણાની પૂરી રકમ ભરપાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી વીજ જોડાણ ચાલુ કરવામાં આવશે નહીં. વીજબિલના બાકીના નાણાંની વસુલાત માટે ભુજ વર્તુળ કચેરી હેઠળના 20 પેટા વિભાગીય કચેરીઓમાં આ આયોજન કરાયું છે. બાકી વીજબિલની રકમ ધરાવતા ગ્રાહકોને તંત્ર દ્વારા ફરીથી અરજ કરવામાં આવી છે કે આપનો વીજ પુરવઠો બંધ થાય નહીં તે માટે બાકી વીજ બિલના લેણા રકમ તાત્કાલિક સ્થાનિક પેટા વિભાગીય કચેરીમાં અથવા ઓનલાઇન વિવિધ માધ્યમો દ્વારા ભરપાઈ કરી આપશો. આ માટે ગ્રાહકો વિવિધ ઓનલાઇન માધ્યમ જેમકે GOOGLE PAY, પીજીવીસીએલ ની વેબસાઈટ, ક્રેડિટ કાર્ડ, PHONEPE, AMAZONPE, UPI, BHIMUPI, RTGS, વિવિધ બેંકો ની મોબાઇલ એપ્લિકેશન વિગેરેનો ઉપયોગ કરી ને બાકી રહેતા નાણાની ચુકવણી કરી શકે છે. આથી આપના બાકી રહેતા વીજબિલના નાણાં તાત્કાલિક ભરો અને વીજ જોડાણ ની કપાત થી બચો તેવી પીજીવીસીએલના સૂત્રો દ્વારા સૂચના અપાઈ છે.