કચ્છના ઔદ્યોગિક વિકાસને અનુરૂપ માસ્ટર પ્લાન બનાવવા રેલવેને અનુરોધ કરાયો

પશ્ચિમ રેલવેની 36મી ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી (ZRUCC)ની બીજી બેઠક તા. 17 ફેબ્રુઆરી,
2026ના રોજ મુંબઈ ખાતે વેસ્ટન રેલવેના જનરલ મેનેજર (GM), શ્રી પ્રદીપ કુમાર, (IRSME) ના અધ્યક્ષ સ્થાને
યોજાઈ હતી. આ બેઠકમાં ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિઆ)ના ZRUCC પ્રતિનિધિ શ્રી ભાવેન
ઠક્કરે ભાગ લીધો હતો અને કચ્છ જિલ્લાના રેલવે કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ તથા પ્રવાસનને વેગ આપવા માટે
વિગતવાર ચર્ચા કરી હતી. આ બેઠક કચ્છના રેલવે વિકાસના ઈતિહાસ અને વર્તમાન પ્રોજેક્ટ્સના સંદર્ભમાં અત્યંત
મહત્વપૂર્ણ બની રહી હતી.

શ્રી ઠક્કરે પશ્ચિમ રેલવેના અધિકારીઓને કચ્છમાં ચાલી રહેલા અને પૂર્ણ થયેલા રેલવે પ્રોજેક્ટ્સ માટે અભિનંદન
પાઠવ્યા હતા. તેમણે બેઠકમાં ભુજ-નલિયા રેલવે લાઈનના ગેજ રૂપાંતરણ અને લુણાથી વાયોર-લખપતની નવી
બ્રોડગેજ લાઈન વિસ્તરણના પ્રસ્તાવ માટે અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં લખપતથી ધોળવીરા થઈ સાંતલપુર,
પાલનપુર અને દિલ્હી સુધીના વિસ્તરણની વિનંતી કરી હતી.

તેમણે ભુજ અને માંડવી વચ્ચે રેલવે કનેક્ટિવિટીને મંજૂરી આપવા માટે તાજેતરમાં માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની
વૈષ્ણવને કરેલી રજૂઆતના સંદર્ભમાં થયેલી કાર્યવાહીની વિગતો માંગી હતી. આ પ્રત્યુત્તરમાં GMએ જણાવ્યું હતું કે
ભુજ-માંડવીની નવી લાઈન માટે નો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે અને તે મંજૂર થયે, રેલવે
દિલ્હી બોર્ડ, દિલ્લીને મોકલી આપવામાં આવશે. તેમજ ભુજથી દિલ્હી અને ભુજથી મુંબઈ માટે વંદે ભારત સ્લીપર
એક્ષપ્રેસ શરુ કરવા વિનંતી કરી હતી. તદુપરાંત કચ્છ જિલ્લામાં ઝડપભેર વિકસી રહેલી ઔદ્યોગિક પ્રવૃતિઓને
ધ્યાનમાં રાખીને સર્વાંગી માસ્ટર પ્લાન બનાવવા પશ્ચિમ રેલવેને અનુરોધ કર્યો હતો.

ભુજ-માંડવી રેલવે લાઈન જોડાણને અગ્રતા આપવા માટે માંડીને વાત કરતા શ્રી ઠક્કરે જણાવ્યું હતું કે આ માટે રેલવે
મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, માનનીય સંસદસભ્ય શ્રી વિનોદ ચાવડા અને માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ
દવે સાથે બે મહિના પૂર્વે એક મીટીંગ પણ કરવામાં આવી હતી. તો ભુજને મુંબઈ અને દિલ્હીથી સાંકળતી વંદે ભારત
સ્લીપર ટ્રેન માટે કારણો આપતા તેમણે કહ્યું હતું કે અંદાજે એક મિલિયન કચ્છી લોકો દાયકાઓથી મુંબઈમાં વસે છે
અને સામાજિક ધાર્મિક કાર્યો માટે અવારનવાર કચ્છમાં આવતા જતા હોય છે. આ ઉપરાંત અન્ય એકાદ મિલિયન
જેટલા કચ્છીઓ દુનિયાભરમાં વસી રહ્યા છે. કચ્છમાં હાલે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ન હોવાને કારણે તેમણે
ફરજીયાત દિલ્હી અથવા મુંબઈ થઈને આવવું પડે છે. આથી આ ટ્રેન ખુબ જરૂરી છે. આ રૂટ ઉપર ગાંધીધામ-

સામખિયાળી-વિરમગામ-ચાંદલોડિયા-સુરત-વિરાર-મુંબઈ સેક્શન પર અત્યાધિક ભારણને કારણે નવી ટ્રેનો શરૂ
કરવાની શક્ય ન હોવાનું જણાવ્યું હતું, વધુમાં ભુજ-બાંદ્રા એ.સી એક્સપ્રેસને દૈનિક ધોરણે ચલાવવા માટેની વિનંતી
ના પ્રત્યુતરમાં પણ આ જ કારણ આવ્યું હતું.

કંડલા-ગાંધીધામ અને મુન્દ્રા બંદરીય શહેર છે. વેપાર-રોજગાર માટે હજારો લોકોને હજારો લોકોને તે અપ-ડાઉન માટે
ઉપયોગી થઈ પડશે તેમ તેમને જણાવ્યું હતું, તેના પ્રત્યુત્તરમાં તેમને આદિપુર-મુન્દ્રા વચ્ચેની લાઈન અંગત માલિકીની
હોવાના કારણે તેના પર શક્ય ન હોવાનું જણાવ્યું હતું.આ બંને બંદર વચ્ચે ખાનગી રેલ લાઈનને સમાંતર એક રેલ
લાઈન બીછાવવામાં આવે અને તેના પર ડેમુ અને મેમુ જેવી ટ્રેન નિયમિત દોડાવવામાં આવે તો હજારો લોકોને તે
ઉપયોગી થઇ પડશે એમ પણ તેમણે જણાવ્યું હતું. તેવી જ રીતે ભુજ-નલિયા વચ્ચે પણ પેસેન્જર ટ્રેન દોડાવવા તેમણે
આગ્રહ કર્યો હતો. તેવી જ રીતે ભુજ આવતી પેસેન્જર ટ્રેનોને નલિયા સુધી લઈ જવા તેમને આગ્રહ કર્યો હતો, તેના
પ્રત્યુત્તરમાં ભુજ-નલિયા વચ્ચે હાલ પેસેન્જર ટ્રેન દોડાવવાનું આયોજન ધ્યાનમાં નથી તેવું કહ્યું હતું.

અંદાજે રૂ. બે લાખ કરોડના રોકાણ સાથે ખાવડામાં રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે, કે જે વિશ્વનું
સૌથી મોટું છે. તેને લીધે ખાવડામાં ૫૦ હજારથી વધુ શ્રમિકો કાર્ય કરી રહ્યા હોવાથી ભુજ- ખાવડા વચ્ચે રેલવે લાઈન
તાકીદે પાથરવામાં આવે એવી માંગણી તેમણે કરી હતી. અંદાજે તેના સંદર્ભમાં જનરલ મેનેજર જણાવ્યું હતું કે ભુજ
ખાવડા વચ્ચે લાઇન નાખવા માટેનો સર્વે કરવા માટે રેલવે બોર્ડ તરફથી કોઈ સૂચના આપવામાં આવી નથી.
એવી જ રીતે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડતી બાંદ્રા-ભુજ એસી સુપરફાસ્ટ ટ્રેન ૨૦૧૩માં શરુ થઇ હતી અને તેને
અભૂતપૂર્વ આવકાર મળ્યો છે ત્યારે તેને દરરોજ ચલાવવી પણ ખુબ જરૂરી બની છે. તેના પ્રત્યુત્તરમાં GMએ જણાવ્યું
હતું કે આ રૂટ ઉપર અત્યંત વ્યસ્તતાના કારણે આ ટ્રેનને દૈનિક કરવી શક્ય નથી. શ્રી ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે
ફોકિઆની સતત રજૂઆતને કારણે ગોપાલપુર સ્ટેશનનું ઝડપી નિર્માણ થઈ રહ્યું છે તે આવકારદાયક છે.
ગાંધીધામ નજીક ગોપાલપુરી સ્ટેશનનું નિર્માણ થઇ ગયું હોવાથી ભુજ આવતી તમામ ટ્રેન હવે સીધી અહીંથી જ
દોડાવાય તો સમયની બચત થાય અને ગાંધીધામ સ્ટેશન પરનું ભારણ ઘટે, તેવી તેમણે માંગણી કરી હતી. આના
પ્રત્યુતરમાં GMએ જણાવ્યું કે ગોપાલપુર સ્ટેશન NSG-4 કેટેગરીના નો નોર્મ પ્રમાણે બનાવવામાં આવતું હોઈ એ
પ્રમાણે ની પેસેન્જર સુવિધા વિકસાવવામાં આવશે.
વાયોર અને લખપત તાલુકામાં રેલ્વે સાઈડિંગ વિકસાવવા માટેની રજૂઆતના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે ગતિ શક્તિ
કાર્ગો ટર્મિનલ અંતર્ગત અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ, વદરાજ સિમેન્ટ અને સાંઘી સિમેન્ટને આ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા
માટે નલિય-વાયોર વચ્ચેનું કામ પ્રગતિમાં છે.

આ તમામ માંગણીઓ કચ્છના ઔદ્યોગિક, પ્રવાસન અને સામાજિક વિકાસને વેગ આપશે તેમજ વિસ્તારના લોકોને
વધુ સારી રેલ સુવિધાઓ પૂરી પાડશે. શ્રી ઠકકરે રેલવે બોર્ડ અને પશ્ચિમ રેલવે અધિકારીઓને આ બાબતો પર ઝડપથી
કાર્યવાહી કરવા અને સકારાત્મક નિર્ણયો લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, કચ્છના રેલવે વિકાસના અહેવાલોમાં
વર્ણિત પ્રગતિને આધારે આ પ્રસ્તાવો અમલમાં મૂકવાથી વિસ્તારનું આર્થિક પરિવર્તન થશે.

ફોકિઆના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી નિમિષ ફડકેના અને જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી તલક્ષી નંદુએ કચ્છના
ઔદ્યોગિક વિકાસને અનુરૂપ કાર્ગો અને પેસેન્જર સુવિધાઓ વધારવા માટે માસ્ટર પ્લાન બનાવવા અંગેની રેલ્વેની
તૈયારી અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ યાદી ફોકિઆના સિનિયર એક્ઝિટિવ શિવાની ભગત દ્વારા પાઠવવામાં
આવી હતી.