ભારાપર, કિડાણા અને શિણાય સહિતના વિસ્તારો ‘SAL Steel’ના પ્રદુષણથી ત્રસ્ત..?

ગાંધીધામના કિડાણા, ભારાપર સહિત આસપાસના વિસ્તારોમાં લાંબા અરસાથી સાલ સ્ટીલ કંપનીનાં પ્રદૂષણના કારણે ચાર ગામના રહેવાસીઓ દ્વારા શુક્રવારે મ્યુનિસિપલ કમિશનર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને પત્ર પાઠવી પ્રદૂષણ મામલે દરમ્યાનગીરી કરવા ભારપૂર્વકની રજૂઆત કરી હતી અને ફરી આજે સોમવારે કચ્છ કલેકટર સમક્ષ ન્યાયની માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભારાપરના હાજલ દાદા સેવકગણ અને કિડાણાના સમસ્ત ગ્રામજનો, અંતરજાળ અને શિણાયના રહેવાસીઓ આ મુદ્દે રજૂઆત કરવા માટે કચ્છ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. અને પત્રમાં જણાવ્યા પ્રમાણે ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં અવતા હાજલ દાદા સેવકગણ, ભારાપર, અંતરજાળ અને શિણાયના લોકોને છેલ્લા બે દાયકા કરતાં પણ વધુ સમયથી સાલ સ્ટીલ દ્વારા ફેલાવાતાં પ્રદૂષણથી ભારે મુશ્કેલી પડી રહી છે. હાજલ દાદા મંદિરમાં કાળી ભૂકીના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને આ વિસ્તારમાં કેન્સર અને શ્વાસની બીમારીઓ ફેલાઈ રહી હોવાનું જણાવાયું હતું. આ વિસ્તારના ખેડૂતો કોઈ પાક પણ લઈ શકતા નથી. ગત વર્ષથી પ્રદૂષણ સામે વિરોધ કરી રહ્યા છીએ અને કંપની દ્વારા કારખાનું અન્યત્ર ખસેડવાની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ તેનાથી વિપરીત આ કંપની અન્ય ઉદ્યોગગૃહને વેચી નાખવાની તજવીજ કરાઈ હોવાનું જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સાલ કંપનીનાં પ્રદૂષણ મામલે વખતોવખત લડત થઈ છે. ગ્રામજનો દ્વારા પણ આંદોલનાત્મક કાર્યક્રમો થયા હતા અને પ્રદૂષણ બોર્ડ દ્વારા અમુક પગલાં પણ સૂચવાયા હતા, પરંતુ પ્રદૂષણની સ્થિતિમાં હજુ સુધી કોઈ સુધારો આવ્યો ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે આ મામલે યોગ્ય નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.