અનુ. જાતિ મોરચા દ્વારા ગાંધીનગર ખાતે રાજ્ય સરકારનો ઋણ સ્વીકાર તેમજ અભિવાદન કાર્યક્રમ યોજાશે

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને લોકો માટે વિવિધ યોજનાઓમાં વિશેષ લાભ પાઠવતા નિર્ણયો લેવા બદલ ગુજરાત પ્રદેશ ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા ગુજરાત સરકારનું ઋણ સ્વીકારીને મુખ્યમંત્રીશ્રી સહિતના મોવડીઓ અને અધિકારીગણના ભવ્ય અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા આજરોજ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં અને સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતીમાં એક આયોજન બેઠક યોજવામાં આવી હતી.

જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપા સરકાર દ્વારા હંમેશા સબ કા સાથ સબ કા વિકાસ સૂત્રને અમલ માં મૂકી દરેક સમાજનો વિકાસ થાય તેવા નિર્ણયો લીધા છે ત્યારે અનુસૂચિત જાતિ માટે પણ વધુ ફાયદાકારક અને વિશેષ લાભ આપતા નિર્ણયો બજેટમાં લેવામાં આવ્યા છે જેમાં મુખ્યત્વે અનુ. જાતિ ના વિદ્યાર્થીઓની શિષ્યવૃતિની આવક મર્યાદા જે અગાઉ 2.5 લાખ હતી તે વધારીને 6.00 લાખ કરવામાં આવી છે. આ નિર્ણયથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે અને સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રેરાશે.

કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકાર હર હંમેશ અનુ. જાતિ માટે ચિંતિત રહીને લાભદાયી પગલાં લેતી આવી છે ત્યારે ગુજરાત સરકારે આ બજેટમાં પણ શિષ્યવૃતિની આવક મર્યાદા વધારવા ઉપરાંત શિષ્યવૃતિની રકમ માં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે ત્યારે સરકારનો આભાર માનવા યોજાનાર ભવ્ય અભિવાદન સમારોહમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી વ્યવસ્થા ઘડી કાઢવા આહવાહન કર્યું હતું.

આ બેઠકના મુખ્ય વક્તા એવા પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ ગુજરાત સરકાર દ્વારા અનુ. જાતિ માટે કરવામાં આવેલ અમૂલ્ય નિર્ણયો બદલ આભાર વ્યક્ત કરીને વધુમાં વધુ અનુ. જાતિના લોકો આ કાર્યક્રમમાં જોડાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવા સર્વે હોદેદારોને જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે અગાઉ શૈક્ષણિક લોન જે બે હપ્તામાં આપવામાં આવતી હતી તે હવેથી એક સાથે આપવામાં આવશે. જયારે ભાજપ સરકાર અનુ.જાતિ માટે આટલી ઉદાર હોય ત્યારે તેમનું ઋણ ચૂકવવું એ અનુ. જાતિ મોરચાની ફરજ બની રહે છે.

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના અધ્યક્ષ રવિભાઈ ગરવા દ્વારા સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા જણાવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વિશેષપણે વિનોદભાઈ ચાવડા, રમેશભાઈ મહેશ્વરી સહિત મોરચાના પૂર્વ અધ્યક્ષો અશોકભાઈ હાથી, ધનજીભાઈ હેંગડા, સામતભાઇ મહેશ્વરીનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અને અનુ. જાતિ મોરચા પ્રભારી પ્રફુલસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મંત્રી કંચનબેન વાઘેલા સહિત મોટી સંખ્યામાં જિલ્લામાંથી મોરચાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ક્રમશઃ મોરચાના મહામંત્રીઓ શામજીભાઈ વાણીયા અને પરસોત્તમભાઈ મારવાડાએ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.