કચ્છના રોડ ટુ હેવનના વિકાસ માટે 650.42 કરોડની માતબર રકમ મંજૂર

કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના રોડ ટુ હેવનના વિકાસ માટે 650.42 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે, જેને સાંસદ વિનોદભાઈ ચાવડાએ હર્ષભેર વધાવી લીધી છે. નેશનલ હાઈવે 754K ના કુલ 165.58 કિમી માર્ગનું અપગ્રેડેશન કરવામાં આવશે, જેમાં લખપત, ઘડુલી, ઝારા, હાજીપીર, ખાવડા અને કાંઢવાંઢથી ધોળાવીરા સુધીના રસ્તાઓનો કાયાકલ્પ થશે. વિશ્વપ્રસિદ્ધ ‘રોડ ટુ હેવન’ વધુ પહોળો અને સુરક્ષિત બનવાથી રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માટે મુસાફરી સુગમ બનશે અને અકસ્માતનું જોખમ ઘટશે. આ પ્રોજેક્ટ માત્ર પ્રવાસન જ નહીં, પરંતુ કચ્છના ખનિજ અને મીઠા ઉદ્યોગ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે ભારે વાહનોની અવરજવર સરળ થવાથી લોજિસ્ટિક્સ અને વેપારને નવી ગતિ મળશે અને લખપતથી ધોળાવીરા સુધીની કનેક્ટિવિટી અત્યંત મજબૂત બનશે