અંજાર તાલુકામાં આંગણવાડી નવિનીકરણ ઝુંબેશ હેઠળ 59 કેન્દ્રોની કાયાકલ્પ

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલી ‘આંગણવાડી
નવીનીકરણ ઝુંબેશ’ અંતર્ગત કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. જિલ્લા વિકાસ
અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ (IAS) તેમજ ICDS વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ડી.ડી. પંડ્યાના સીધા માર્ગદર્શન અને
સતત દેખરેખ હેઠળ અંજાર તાલુકામાં બાળકોના પોષણ અને શિક્ષણના સ્તરને સુધારવા માટે વિવિધ કામગીરીઓ પૂરજોશમાં
ચાલી રહી છે.
અંજાર તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવેશ પટેલ અને સી.ડી.પી.ઓ. અંજાર 1-2 ની આગેવાનીમાં રિનોવેશન
અને રિપેરિંગ માટે જુદી જુદી યોજનાઓ હેઠળ કુલ 59 આંગણવાડી કેન્દ્રોને આયોજનમાં લેવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર
સુધીમાં 49 કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 10 કેન્દ્રોમાં કામગીરી હાલ પ્રગતિમાં છે. આ સુધારાથી આંગણવાડીના
ભવનો વધુ સુરક્ષિત અને સુવિધાજનક બન્યા છે.તાલુકાના સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) હેઠળ આવતા 200 કેન્દ્રો
પૈકી અનેક કેન્દ્રોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.
બાળકોને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ માટે પ્રોત્સાહક વાતાવરણ મળે તે હેતુથી ખાસ ‘બાલા પેન્ટિંગ’ (ભીંત ચિત્રો) કરવામાં
આવ્યા છે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી મૂળાક્ષરો, અંકો અને મહિનાના નામોના આલેખન, પશુ-પક્ષીઓના ચિત્રો અને બાળ
વાર્તાઓ ભીતચિત્રો દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે શૈક્ષણિક વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.
આ નવિનીકરણના કારણે અંજાર તાલુકાના આંગણવાડીના બાળકોને હવે વધુ સુરક્ષિત અને સુવિધાજનક ભવન પ્રાપ્ત થશે, જે
તેમના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનશે.