ઈરાન–ઇઝરાયલ–અમેરિકા યુદ્ધની અસર આદિપુરમાં ગેસ સિલિન્ડર માટે લોકોની લાંબી લાઈનો લાગી

પૂર્વ કચ્છમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની અસર હવે સામાન્ય લોકોના ઘર સુધી પહોંચી ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવ અને યુદ્ધના માહોલને કારણે એલપિજી ગેસ સપ્લાય પર અસર પડતા આદિપુરમાં ગેસ સિલિન્ડર માટે લોકોની લાંબી લાઈનો લાગી ગઈ છે. આદિપુર ખાતે ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો વહેલી સવારથી જ એજન્સી બહાર લાઇનમાં ઊભા રહી ગયા હતા. મહિલાઓ, વડીલો તેમજ યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ધમધમતા તાપમાં પોતાનો વારો આવે તેની રાહ જોતા જોવા મળ્યા હતા. ઘણા લોકો તો માત્ર એક સિલિન્ડર મળી રહે તેવી આશાએ કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા હતા. મળતી માહિતી મુજબ ગેસની અછતને કારણે એજન્સી દ્વારા ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જે ગ્રાહકોને ટોકન આપવામાં આવે છે, તેમને જ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. એજન્સી સંચાલકના જણાવ્યા મુજબ સિલિન્ડરની મર્યાદિત આવકને કારણે ટોકન આધારે જ વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી વ્યવસ્થા જળવાઈ રહે. ગેસની અછતના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ઘરગથ્થુ ઉપયોગ માટે જરૂરી ગેસ ન મળવાની ભીતિ વચ્ચે લોકો વહેલી સવારથી જ લાઇન લગાવી રહ્યા છે. જો આગામી દિવસોમાં સપ્લાય નિયમિત નહીં થાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર પાસે ગેસનો પૂરતો સપ્લાય ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે જેથી સામાન્ય જનતાને પડતી મુશ્કેલી દૂર થઈ શકે. જાણો સ્થાનિકેથી સ્થિતિ સાથે ગ્રાઉન્ડ રિપોર્ટ લાઇનમાં ઉભેલા લોકો શું કહે છે…