હાજીપીર પોલીસે ૧૧૮ કિલો ચુનાના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ

લખપત તાલુકાના હાજીપીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ હલચલ અંગે કાર્યવાહી કરીને એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે તથા તેની પાસેથી ચુનો અને અન્ય સામાન મળી કુલ રૂ. ૪૧,૭૨૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર હાજીપીર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લૂણા ગામ પાસે આવેલ આઈનાથ હોટલથી અંદાજે ૨૦૦ મીટર દૂર રોડની બાજુએ બે મોટરસાયકલ સાથે બે શંકાસ્પદ ઈસમ જોવા મળ્યા હતા. પોલીસને જોઈ એક ઈસમ મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયો હતો જ્યારે બીજા ઈસમને પોલીસ દ્વારા પીછો કરી ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા ઈસમે પોતાનું નામ સુખન નુરમામદ જત (રહે. લુડબાય, તા. નખત્રાણા) હોવાનું જણાવ્યું હતું. તેની તપાસ દરમિયાન ત્રણ બોરીમાં ભરેલો કુલ ૧૧૮ કિલો ચુનો મળી આવ્યો હતો. આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઇલ ફોન અને સ્થળ પરથી અન્ય એક મોબાઇલ ફોન પણ મળ્યો હતો. ઘટનાસ્થળે ઉભેલી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (નં. GJ-12-DK-9213) પણ કબ્જે લેવામાં આવી હતી. પોલીસ દ્વારા ચુનો અંગે કોઈ આધાર પુરાવા માંગતા આરોપી પાસે કોઈ દસ્તાવેજ ન હોવાનું જણાવતા ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકાને આધારે ચુનો, બે મોબાઇલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ અંદાજે રૂ. ૪૧,૭૨૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ કેસમાં એક અન્ય શખ્સ મુલખાન મોહમદખાન જત (રહે. લુડબાય, તા. નખત્રાણા) પોલીસને જોઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. હાજીપીર પોલીસ દ્વારા પકડાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ અટક કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.