લુડબાય નજીક સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બાંધકામ તોડી 2400 ચો.મી. જમીન દબાણમુક્ત કરાઈ

પશ્ચિમ કચ્છ જિલ્લામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાજીપીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ નખત્રાણા તાલુકાના લુડબાય જૂથ પંચાયત વિસ્તારમાં આવેલા સર્વે નંબર 154 પૈકી 26 વાળી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા કોમર્શિયલ બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં લુડબાય ગામના જબાર હેબત જત દ્વારા પોતાના આર્થિક લાભ માટે સરકારી જમીન પર લોજ અને ખાણીપીણીની હોટલનું બાંધકામ કરી પેશકદમી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
આ અંગે પોલીસ દ્વારા અંદાજે 2400 ચોરસ મીટર સરકારી જમીન ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને સરકારી જમીન ફરીથી ખુલ્લી કરાવવામાં આવી હતી. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (બોર્ડર રેન્જ, કચ્છ), પોલીસ અધિક્ષક વિકાસ સુંડા (પશ્ચિમ કચ્છ-ભુજ) તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચિયન (ભુજ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. હાજીપીર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.ડી. ગોહિલના નેતૃત્વ હેઠળ એ.એસ.આઇ કિશોરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ પરમાર, સુભાષભાઈ ચાવડા, ઋતુરાજસિંહ સોઢા તથા યુ.એચ.સી કિરણકુમાર નાયી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.