આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં અંદાજે 2°C થી 4°C સુધી ઘટાડો થવાની સંભાવના

ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ ગરમી અને હીટવેવની સ્થિતિ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) તરફથી થોડો રાહતભર્યો અનુમાન સામે આવ્યું છે. આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં અંદાજે 2°C થી 4°C સુધી ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.

હાલાંકે, દરિયાકાંઠાના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તારમાં 13 માર્ચે ગરમ અને ભેજભર્યું હવામાન રહેવાની શક્યતા છે, જેના કારણે લોકોમાં અસ્વસ્થતા અનુભવાઈ શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 18 માર્ચ સુધી રાજ્યમાં મોટાભાગે સુકું હવામાન રહેશે. ત્યારબાદ 18 માર્ચે બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે.

તે પછી 19 માર્ચે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર–કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. આ યાદીમાં વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, બોટાદ, રાજકોટ, સુરેન્‍દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ દમણ-દીવ વિસ્તારનો સમાવેશ થાય છે.

આ આગાહી સામાન્ય જનતા માટે ગરમીમાંથી થોડો રાહત આપનાર બની શકે છે, પરંતુ ખેડુતો માટે અચાનક પડતા વરસાદ ચિંતા ઊભી કરી શકે છે.