ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૦૭ થી ૧૧ ના નાગરિકો માટે ૨૦ માર્ચના રોજ ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન
ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૦૭ થી ૧૧ ના વિસ્તારમાં રહેતા નાગરિકોના પ્રશ્નો અને સરકારી સેવાઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ લાવવાના ઉમદા આશય સાથે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તારીખ ૨૦/૦૩/૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ થી ૨:૦૦ કલાક સુધી ટાઉનહોલ, જ્યુબિલી સર્કલ પાસે, ભુજ ખાતે યોજાશે.
ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી દ્વારા શહેરના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના જરૂરી આધાર-પુરાવા અને દસ્તાવેજો સાથે રાખી આ તકનો મહત્તમ લાભ લે. આ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા કુલ ૫૫ જેટલી યોજનાઓ અને સેવાઓ પૂરી પાડવામાં આવશે. જેમાં મુખ્યત્વે આધાર કાર્ડ નોંધણી અને સુધારા, રેશનકાર્ડને લગતી કામગીરી (નામ દાખલ કરવું/કમી કરવું), જાતિ અને આવકના પ્રમાણપત્રો, આયુષ્માન ભારત (PMJAY) કાર્ડ, નવા વીજ જોડાણ, અને જન ધન યોજના જેવી પાયાની સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના, સાત-બાર/આઠ-અ ના ઉતારા, વિધવા સહાય, દિવ્યાંગ આર્થિક સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓના ફોર્મ તથા રજિસ્ટ્રેશન માટેની કામગીરી પણ સ્થળ પર જ કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરશ્રી ભુજ નગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયું છે.