વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અંજારના સેવા સમર્પણ ટ્રસ્ટનું અભિયાન : નિઃશુલ્ક ચકલીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરાયું

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અંજારના સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિના જતન અને અબોલ પક્ષીઓ પ્રત્યે
કરુણાનો સંદેશ ફેલાવવા માટે અંજારના સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં
આવ્યું હતું. અંજારના ઐતિહાસિક શ્રી માધવરાયજી મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પક્ષીઓ માટે આશ્રયસ્થાન
એવા ચકલીઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ
રહી છે ત્યારે પક્ષીઓને પાણી અને સુરક્ષિત આશ્રય મળી રહે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા આ પ્રેરણાદાયી પહેલ કરવામાં
આવી હતી.
વધતા જતા શહેરીકરણ અને આધુનિકરણ વચ્ચે ચકલીઓ તેમજ અન્ય પક્ષીઓની સંખ્યા ચિંતાજનક રીતે
ઘટી રહી છે, ત્યારે પક્ષીઓ માટે આશ્રય અને જીવનદાન આપવું એ આપણી નૈતિક ફરજ સમજીને આ સેવા કાર્યમાં
સેવા સમર્પણ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ માલસતર, પરેશભાઈ હડીયા, મોહનભાઈ માલસતર, આશીષ વાઘમશી,
પરેશભાઈ સોરઠીયા અને વિપુલભાઈ માલસતર સહિતના ટ્રસ્ટના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક પોતાની સેવાઓ આપી
હતી.
આ ભગીરથ કાર્યમાં અંજાર શહેર ભારતીય જનતા પાર્ટી તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ પણ સહયોગી
બન્યા હતા. ભાજપના અગ્રણીઓ વસંતભાઈ કોડરાણી, હિતેનભાઈ વ્યાસ અને અશ્વીનભાઈ સોરઠીયા (ડાડા)
સહિતના પક્ષના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી આ પ્રવૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સેવા કાર્ય માટે અંજાર અને
ગાંધીધામ શહેરના વિવિધ દાતાઓએ આપેલા આર્થિક સહયોગને પણ સંસ્થા દ્વારા બિરદાવવામાં આવ્યો હતો.
અંજારના નગરજનોએ આ સેવાનો બહોળો લાભ લીધો હતો અને પાણીના કુંડા તેમજ ચકલીઘર નિઃશુલ્ક
મેળવ્યા હતા. લોકોએ પક્ષીઓ માટે સેવાનું માધ્યમ ઊભું કરવાનો સંકલ્પ કર્યો હતો. સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા
આયોજિત આ સરાહનીય કાર્યને અંજારના શહેરીજનોએ ખૂબ જ બિરદાવ્યું હતું.