અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધમાં ઊર્જાનાં માળખાઓ પર વાર : ક્રૂડ ઓઈલના ભાવમાં ભડાકો
copy image

હાલમાં ચાલી રહેલ અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધમાં અખાતી દેશો નિશાન બનતાં અચાનક સર્જાયેલાં ઇંધણ સંકટની આગની જ્વાળાઓથી ભારતમાં પેટ્રોલના ભાવમાં જોરદાર ભડાકો થયો છે.દેશમાં પ્રીમિયમ એટલે કે, પાવર પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 2.30 રૂપિયાનો વધારો થયો છે. વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, પાવર પેટ્રોલ બાદ તરત ઔદ્યોગિક વપરાશનાં ડીઝલની કિંમતમાં પણ 22 રૂપિયા જેટલો વધારો કરી દેતાં પ્રતિ લિટર 87.67માંથી 109.59 રૂપિયા ભાવ કરી દેવાયા છે. સરકારી તેલ કંપનીઓ એચપીસીએલ, બીપીસીએલ, આઇએસીઓ પેટ્રોલની કિંમતમાં કરેલો વધારો 20/03 થી જ લાગુ કરી દેવાયો છે. આ વધારાની અસર મુખ્ય રૂપે એ ગ્રાહકો પર પડશે, જે હાઇ ઓક્ટેન કે પ્રીમિયમ પેટ્રોલનો ઉપયોગ તેમનાં વાહનોમાં કરે છે. આ વધારા બાદ દિલ્હીમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમત 107 રૂપિયામાંથી વધીને 112.30 રૂપિયા, મુંબઇમાં 115માંથી 120.30 અને ચેન્નાઇમાં 112માંથી 117.30 રૂપિયા પ્રતિ લિટર થયું છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઊર્જાનાં માળખાઓ પર વાર કરાયા છે. જેના પરીણામ સ્વરૂપે ક્રૂડ ઓઈલના ભાવમાં આગ લાગી ગઈ છે. ઈન્ડસ્ટ્રીયલ ડીઝલનો ઉપયોગ સાધારણ વાહનોમાં થતો નથી બલકે ફેક્ટરી અને કારખાનાઓમાં વપરાય છે. તે જથ્થાબંધ વેચાતું હોય છે. આ ડીઝલમાં કોઈ સબસિડી પણ હોતી નથી. ફેક્ટરી, શોપિંગ મોલ, ડેટા સેન્ટર અને મોટી ઈમારતોમાં વીજળીનાં જનરેટરમાં આ ડીઝલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જેસીબી, બુલડોઝર, માળખાગત પ્રોજેક્ટમાં વપરાતા ભારે મશીનમાં પણ ઔદ્યોગિક ડીઝલ વપરાતું હોય છે. પરીણામે આનો ભોગ તો આમ જનતાં જ બનશે.