ગાંધીધામ ખાતે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને મિલેટ મહોત્સવ તથા પ્રાકૃતિક ફાર્મર માર્કેટને ખુલ્લી મુકવામાં આવી

ગાંધીધામ ખાતે આજરોજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને મિલેટ મહોત્સવ તથા પ્રાકૃતિક ફાર્મર માર્કેટને ખુલ્લી મુકવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી પ્રાકૃતિક ખેતી માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જોડાયા છે. જે ખેડૂતોને માર્કેટ અને સહાય મળી શકે તે માટે પણ સરકાર વિવિધ યોજના અમલી કરવા સાથે તાલીમ સહિતની સહાય પૂરી પાડી રહી છે. આજના સમયમાં જ્યારે જંતુનાશક દવાઓના કારણે ઉત્પાદિત ખેતી પેદાશોથી નાગરિકોના આરોગ્યને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય માટે તેમજ પર્યાવરણના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી એ જ એક ઉપાય છે. આ સાથે દુનિયાભરમાં પરંપરાગત મિલેટની બોલબાલા પણ ખૂબ વધી છે તેમજ વડાપ્રધાનશ્રી પણ તેના ઉપયોગ પર ભાર આપી રહ્યા છે ત્યારે આપણે પણ મિલેટ્સને સારા સ્વાસ્થ્ય માટે દૈનિક જીવનમાં સ્થાન આપીએ તે જરૂરી છે.
મંત્રીશ્રીએ આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ઉત્પાદનોને મૂલ્ય વર્ધન કરીને વેચાણ કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દિશા નિર્દેશનમાં કચ્છનો સાર્વત્રિક વિકાસ થયો છે જેના કારણે હાલે રિવર્સ માઇગ્રેશન કચ્છમાં થઈ રહ્યું છે અને ભવિષ્યમાં કચ્છ વધુ સમૃદ્ધ બનશે. તેમણે નાગરિકોને શ્રી અન્નને પ્રાધાન્ય આપવા તેમજ ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અપીલ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી અને મિલેટના ઉપયોગને પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે નાગરિકોએ પણ જાગૃતતા સાથે સારા સ્વાસ્થ્ય માટે એનો ઉપયોગ વધારવો જોઈએ. શ્રીઅન્ન આરોગ્ય અને પ્રકૃતિ બંને માટે ખૂબ જરૂરી છે તેમાં તમામ પ્રકારના પોષક તત્વો હોવાથી તે આજે આર્થિક રીતે સધ્ધર લોકોના જીવનમાં પણ સ્થાન પામ્યુ છે. તેમણે આ પ્રસંગે જંતુનાશક દવા અને ખાતરના ઉપયોગથી દૂર રહીને પ્રાકૃતિક ખેતી અપનાવા પર ભાર મુકતા આવનારી પેઢીની ચિંતા કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી.
આ પ્રસંગે લાભાર્થી ખેડૂતોને આર્થિક સહાયના ચેકનું ઉપસ્થિતોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બે દિવસીય મહોત્સવમાં પપ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો તેમજ મીલેટ સહિત ઓર્ગેનિક પ્રોડક્ટ ઉત્પાદિત કરતા સખી મંડળોના વિવિધ સ્ટોલોનો નાગરિકો લાભ મેળવી શકશે.
આ પ્રસંગે ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનરશ્રી મનીષ ગુરુવાણી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી મેહુલ દેસાઈ, ડીઆરડીએના ડાયરેક્ટરશ્રી નિકુંજ પરીખ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે.વાઘેલા, નાયબ ખેતી નિયામકશ્રી પી.કે. પટેલ, વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉના વૈજ્ઞાનિક શ્રી રાજદીપસિંહ જાડેજા, આગેવાનશ્રી તેજસ શેઠ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.