યુદ્ધમાં જહાજોને નિશાન બનાવવા મામલે ભારતે અપનાવ્યું આકરું વલણ : જહાજો પર હુમલા સહન કરવામાં નહીં આવે
મધ્ય પૂર્વમાં ચાલી રહેલ યુદ્ધમાં જે રીતે જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે તે બાબત પર ભારતએ આકરું વલણ અપનાવ્યું છે. જે મામલે વિગતો સામે આવી છે, લંડનમાં આયોજીત ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન પરિષદની બેઠકમાં યૂકેમાં ભારતના રાજદૂત વિક્રમ દોરાઈસ્વામી દ્વારા જણાવવામાં આવેલ કે, આંતરરાષ્ટ્રીય જળ માર્ગે જહાજોને નિશાન બનાવવા એ કોઈ પણ હિસાબે સહન કરવામાં આવશે જ નહીં. ભારતને આ વાતની ચિંતા છે કે સમુદ્રમાં હવે વ્યાપારિક જહાજો સુરક્ષિત નથી. જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે સૌથી વધારે પરેશાન સામાન્ય લોકો થાય છે. યુદ્ધના કારણે વધતી ઊર્જા કિંમત મુદ્દે બ્રસેલ્સમાં થયેલી યુરોપીય સંઘના નેતાઓની બેઠકમાં પણ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા અને પશ્ચિમ એશિયામાં જળ અને ઉર્જા સંરચના પરના હુમલા રોકવાની માંગ કરાઈ હોવાનું જણાવા મળેલ છે. સમગ્ર વિશ્વમાં લગભગ 13% નાવિક ભારતીય છે. તેવામાં યુદ્ધમાં જે રીતે જહાજોને નિશાન બનાવવામાં આવે છે તેનાથી ભારતીય નાવિકોનો જીવ જોખમમાં છે.