ગાંધીધામ સબ જુનિયર અને કેડેટ નેશનલ ટીટી માટે 34 રાજ્યના 1600 ખેલાડીઓ ભાગ લેશે

ગાંધીધામ ખાતે 23થી 31મી માર્ચ દરમિયાન યોજાનારી યુટીટી 87મી ઇન્ટર સ્ટેટ સબ જુનિયર તથા કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં ભારતના 34 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 1650 ખેલાડીઓ ભાગ લેનારા છે. આ ઇવેન્ટ ગાંધીધામના એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાનારી છે.
આઠ દિવસની આ નેશનલ ઇવેન્ટમાં 5,11,200 રૂપિયાની ઇનામી રકમ વિજેતા ખેલાડીઓમાં વહેંચાશે. ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) અને કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (કેડીટીટીએ)ના સંયુક્ત ઉપક્રમે તથા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ યોજાશે જેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઈ) અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી)ના સહકારથી થયું છે.
અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) આ ઇવેન્ટનું ટાઇટલ સ્પોન્સર છે જે એસીટી ગ્રૂપ અને ફ્રેન્ડ્સ ગ્રૂપનો સહયોગ ધરાવે છે જ્યારે સુજાન કાર્નિવલ ફર્નિચર તેના સહપ્રાયોજક છે. એસોસિયેટ્સ સ્પોન્સર વિનએશિયા ગ્રૂપ, બાપુઝ ગ્રૂપ ઓફ કંપનીઝ અને દરિયા શિપિંગ એજન્સી પ્રાયવેટ લિમિટેડ છે.
ઉલ્લેખનીય છે કે 13 વર્ષ બાદ આ ચેમ્પિયનશિપ ગુજરાતમાં પરત ફરી છે જ્યારે છેલ્લી વાર પણ આ ઇવેન્ટનું યજમાન ગાંધીધામ જ હતું.
ટુર્નામેન્ટમાં 13 કેટેગરીમાં સ્પર્ધા થશે જેમાં અંડર-15 બોયઝ અને ગર્લ્સ ટીમ ચેમ્પિયનશિપ, સિંગલ્સ અને ડબલ્સ ઉપરાંત અંડર-13 બોયઝ અને ગર્લ્સ, સિંગલ્સ અને ડબલ્સ અને અંડર-11 બોયઝ અને ગર્લ્સ સિંગલ્સનો સમાવેશ થાય છે.
રાજ્યના આશાસ્પદ પેડલર્સ વિવાન દવે અને દાનિયા ગોદિલ પાસેથી મોટી આશાઓ રાખવામાં આવી રહી છે, જેઓ અનુક્રમે ગુજરાતની અંડર-15 બોયઝ અને ગર્લ્સની ટીમનું નેતૃત્વ કરશે. વિવાન, દેવ ભટ્ટ અને અંડર-15 બોયઝની બાકીની ટીમને મેડલ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
સ્પોન્સર્સ તરફથી મળેલા મજબૂત ટેકાથી પ્રોત્સાહિત થઈને આયોજકોએ જણાવ્યું હતું કે તમામ સ્પર્ધકોને વિના મૂલ્યે અનલિમિટેડ ફ્રેશ લાઈમ વોટર (લીંબુ પાણી) અને ફળો આપવામાં આવશે, સાથે જ દરેક સ્પર્ધકને ભેટ પણ આપવામાં આવશે.
આયોજન અધ્યક્ષ તુલસી સુજાને જણાવ્યું હતું કે ટીમ વર્લ્ડ ક્લાસ ઇવેન્ટ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે “અમને ગુજરાતમાં આટલા મોટા પાયે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ પરત લાવવા બદલ ગર્વ છે અને અમે તમામ સ્પર્ધકો માટે ઉચ્ચ કક્ષાની સુવિધાઓ સુનિશ્ચિત કરીશું.”
આયોજન સચિવ હરિ પિલ્લાઈએ સ્પર્ધકોની સંખ્યા પર ભાર મૂકતા કહ્યું હતું કે “અમને સમગ્ર ભારતમાંથી 1,600થી વધુ એન્ટ્રીઓ મળી છે અને આ ચેમ્પિયનશિપને ભવ્ય સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.”
સહ-આયોજન સચિવ મનીષ હિંગોરાણીએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ ઉભરતી પ્રતિભાઓ માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. તેમણે ઉમેર્યું કે “આ ચેમ્પિયનશિપ ગુજરાત સહિત ભારતના આગામી પેઢીના પેડલર્સને ઓળખવામાં અને તેમને પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.”