ફોકિઆ દ્વારા આશાપુરા ફાઉન્ડેશનના યજમાનપદે “જૈવ વિવિધતા પુનઃસ્થાપન અને ટકાઉ વિકાસ” વિષય પર સીએસઆર બેઠક યોજાઈ

ભુજ ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (ફોકિઆ) દ્વારા આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ સંચાલિત આશાપુરા ફાઉન્ડેશનના યજમાનપદે “જૈવવિવિધતા પુનઃસ્થાપન અને ટકાઉ વિકાસ” વિષય પર વિશેષ સીએસઆર બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં ઉદ્યોગો, સરકારી સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને કચ્છ વિસ્તારમાં પર્યાવરણીય પડકારોના નિરાકરણ માટે સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી. બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. ધીરજ મિત્તલ (IFoS), મુખ્ય વન સંરક્ષક, કચ્છ, ગુજરાત સરકાર ઉપસ્થિત રહ્યા હતા. અન્ય વિશિષ્ટ અતિથિઓમાં શ્રી નિમિષ ફડકે, મેનેજિંગ ડિરેક્ટર, ફોકિઆ; શ્રી દીપેશ શ્રોફ, ચેરમેન, સીએસઆર કમિટી, ફોકિઆ અને શ્રી જુગલ તિવારી, ઇકોલોજિસ્ટ તથા વિષય નિષ્ણાતનો સમાવેશ થતો હતો. ડૉ. ધીરજ મિત્તલે પોતાના સંબોધનમાં ઉદ્યોગો, સરકાર અને ફોકિયા વચ્ચે સહયોગની તકો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કચ્છના બન્ની ગ્રાસલેન્ડ્સ, શુષ્ક ઇકોસિસ્ટમ, આબોહવા તણાવ અને અપૂરતી ડ્રેનેજ વ્યવસ્થા જેવા પર્યાવરણીય પડકારોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સુંદરલાલ બહુગુણાના પ્રસિદ્ધ વાક્ય “Ecology is the permanent Economy” (ઇકોલોજી જ શાશ્વત અર્થતંત્ર છે) ઉદાહરણ આપીને ટકાઉ વિકાસનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ઉદ્યોગ સમર્થિત લેન્ડસ્કેપ પુનઃસ્થાપન, પ્રજાતિ સંરક્ષણ પહેલ, વૃક્ષારોપણ અને લીલીકરણના પ્રયાસો અને ઉદ્યોગ ક્લસ્ટર દ્વારા સીએસઆર પૂલિંગના મોડલ્સ પર કામ કરવાનું સૂચન કર્યું હતું. શ્રી જુગલ તિવારીએ કચ્છની સમૃદ્ધ જૈવ વિવિધતા પર પ્રકાશ પાડ્યો અને પ્રદેશમાં આવતા સ્થળાંતર કરનારા પક્ષીઓ વિશે સમજ આપી તથા એનજીઓને સ્થાનિક તથા પ્રદેશ-
વિશિષ્ટ પ્રજાતિઓનું વૃક્ષારોપણ પ્રાથમિકતા આપવાની અપીલ કરી હતી. બેઠક દરમિયાન અનેક સંસ્થાઓએ પોતાની સીએસઆર પહેલો રજૂ કરી હતી. જેમાં રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડએ કચ્છના ઇકોસિસ્ટમ અને સ્થળાંતરી પક્ષીઓની સમસ્યાઓ વિશે માહિતી આપી અને ભીમાસર ખાતે તેમની ચકલી (સ્પેરો) કન્ઝર્વેશન પહેલનું પ્રદર્શન
કર્યું, જેમાં 50,000થી વધુ સ્પેરોનું સંરક્ષણ થયું છે. તેવી જ રીતે વેલ્સ્પન ફાઉન્ડેશને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી સાથેના સહયોગમાં જૈવવિવિધતા કાર્યો રજૂ કર્યા અને વેલ્સ્પન સિટી, અંજારમાં આશરે 4.2 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હોવાનું જણાવ્યું. તો અદાણી ફાઉન્ડેશને કચરા વ્યવસ્થાપન, જળ સંરક્ષણ અને વરસાદી પાણીના સંગ્રહની પહેલો બતાવી અને 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષોના લક્ષ્યાંક (હાલ 50.15 મિલિયન પૂર્ણ) નો ઉલ્લેખ કર્યો.
બીજી તરફ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝે કુકમા વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ અને નર્સરી વિકાસનું કાર્ય રજૂ કર્યું. તેમણે 5,000 વૃક્ષોથી શરૂઆત કરીને હવે 1,70,000થી વધુ વૃક્ષો પહોંચાડ્યા છે અને કુકમા હિલ તથા નજીકના નદી વિસ્તારમાં 211 જુદી જુદી પ્રજાતિઓના 3,50,000થી વધુ વૃક્ષો રોપાયા છે. આશાપુરા ફાઉન્ડેશને મહિલા વિકાસ પર કેન્દ્રિત કાર્યો રજૂ કર્યા. જયારે દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) એ વોટર ન્યુટ્રાલિટી, ગ્રીન એનર્જી અને મિયાવાકી ફોરેસ્ટ વિકાસ સાથે સાથે હવામાંથી પાણી ઉત્પન્ન કરનાર મશીન (AWG) તથા સીએસઆર હેઠળ 5.5 હેક્ટર જમીન અને ₹5 કરોડની ફાળવણીની માહિતી આપી. સાત્વિક ઇકોલોજીકલ ફાર્મિંગને પ્રોત્સાહન સંસ્થાએ ઇકોલોજિકલ ખેતી, બીજ વિવિધતા, જમીન આરોગ્ય અને જાગૃતિના કાર્યો પર ભાર મૂક્યો.ઓપન ડિસ્કશન દરમિયાન સરહદ ડેરીએ નાના પશુપાલકોને સીધો ટેકો આપવા માટે સીએસઆર સહયોગની તકો પ્રસ્તાવિત કરી. બેઠકમાં ઉદ્યોગો, સરકારી સંસ્થાઓ અને એનજીઓની સક્રિય ભાગીદારી જોવા મળી, જેણે વિસ્તારમાં બહુ-હિતધારક સહયોગને મજબૂત બનાવ્યો. અંતમાં શ્રી દીપેશ શ્રોફે ત્રણ મુખ્ય હિતધારકો – કંપનીઓ, એનજીઓ અને એસોસિએશન્સ – ને એકસાથે કામ કરીને ટકાઉ વિકાસને આગળ વધારવાનું મહત્વ ભારપૂર્વક જણાવ્યું. ફોકિઆના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી નિમિષ ફડકેએ ઉદ્યોગોએ પોત-પોતાના વિસ્તારમાં કરેલી
પહેલોની પ્રશંસા કરી હતી, પરંતુ તેમણે યાદ અપાવ્યું હતું કે સરકાર, ઉદ્યોગો, એનજીઓ અને લોકસમુદાય — સૌની ભાગીદારી સાથે આપણે સમગ્ર કચ્છ માટે મોટા લક્ષ્યાંકો સિદ્ધ કરવાના છે અને આ માટે સહિયારી ભાગીદારીથી આ લક્ષ્યાંકો કેવી રીતે સિદ્ધ કરવા તે માટે મંથન કરવાનું સૂચન કર્યું હતું. આ બેઠક કચ્છમાં પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટે ઉદ્યોગોની પ્રતિબદ્ધતાનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ છે. આ કાર્યક્રમમાં એવરેસ્ટ કાંતો સિલિન્ડર લિમિટેડ, જીએચસીએલ લિમિટેડ, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, કાર્ગિલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, પાર્લે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, પેનાસોનિક, ડોર્ફ કેટલ કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ડીપી વર્લ્ડ: મુન્દ્રા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ , ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, સરહદ ડેરી, સુમિતોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ, ૨૦ માઇક્રોન્સ લિમિટેડ અને એસઆરજી પ્લાય એન્ડ બોર્ડ્સ જેવા ઉદ્યોગોઓ તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી, ખુશી ફાઉન્ડેશન, કચ્છ મહિલા વિકાસ સંગઠન, સહજીવન, શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, શ્રુજન-એલએલડીસી, યુસુફ મહેરઅલી સેન્ટર અને શ્રી આશાપુરા સેવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ જેવી સામાજિક સંસ્થાઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમની સ્વાગતવિધિ શ્રી હરીશ હુરમાડે, સીએસઆર હેડ, આશાપુરા ફાઉન્ડેશન અને સંચાલન શ્રી બિરેન બ્રહ્મા, સીએસઆર હેડ, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને આભારવિધિ કુમારી મમતા વાસાણી, સીનિયર એક્ઝિક્યુટિવ, ફોકિઆ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ફોકિઆના શિવાની ભગત અને જીનીશા સદાણી કર્યું હતું.