કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદે જગતના તાતની કમર તોડી

કચ્છ જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદે જગતના તાતની કમર તોડી નાખી છે. તૈયાર મોલ પર વરસેલી આ આફતને કારણે ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ, ભારતીય કિસાન સંઘ દ્વારા સમગ્ર જિલ્લામાં તાલુકા મથકોએ આવેદન પત્ર આપી ત્વરિત સહાયની માંગ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે ભુજ તાલુકા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
કિસાન સંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે ઉભા પાકને ભારે નુકસાન થયું છે. જો સરકાર દ્વારા યુદ્ધના ધોરણે સર્વે કરી આર્થિક પેકેજ જાહેર કરવામાં નહીં આવે, તો દેવાના ડુંગર તળે દબાયેલો ખેડૂત ખેતી છોડવા મજબૂર બનશે.
આ તકે કિસાન સંઘે ભૂતકાળના અન્યાયને પણ વાગોળ્યો હતો. અગાઉ દિવાળી સમયે થયેલી અતિવૃષ્ટિમાં સમગ્ર કચ્છમાં નુકસાની હોવા છતાં, સરકારે માત્ર અંજાર, ભચાઉ અને રાપરના 86 ગામોના ખેડૂતોને જ સહાય આપી હતી. ભુજ સહિતના અન્ય તાલુકાઓ આ લાભથી વંચિત રહ્યા હતા. આ વખતે આવો ભેદભાવ ન રાખતા, સમગ્ર કચ્છના અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય મળે અને વહેલી તકે વળતર ચૂકવાય તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.