કર્ણાટક અને આસામે રોમાંચક મુકાબલાઓ જીત્યા, ગુજરાત હજી દાવમાં યથાવત્

 હરેશ સાંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એમ. પી. મિત્ત્રા ઇન્ડોર સ્ટેડિયમમાં ચાલી રહેલી UTT 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જૂનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગર્લ્સ U-15 ટીમ સ્પર્ધાનો પ્રારંભ એકતરફી જીતો અને રોમાંચક ટક્કરોથી થયો છે.

આ મહત્ત્વના રાષ્ટ્રીય ઇવેન્ટનું સંયુક્ત આયોજન ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA) અને કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન (KDTTA) દ્વારા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TTFI)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે, જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)નો સહયોગ છે.

આ ઇવેન્ટનો ટાઇટલ સ્પોન્સર અલ્ટિમેટ ટેબલ ટેનિસ (UTT) છે, જ્યારે ACT ગ્રુપ અને ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા પાવર્ડ છે અને સુજન કાર્નિવલ ફર્નિચર સહ-પ્રાયોજક છે. એસોસિએટ સ્પોન્સર્સમાં વિનએશિયા ગ્રુપ, બાપુઝ ગ્રુપ ઓફ કંપનીઝ અને દરિયા શિપિંગ એજન્સીઝ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

મુખ્ય દાવેદારો—વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર, PSPBA, કર્ણાટક, આસામ, રાજસ્થાન, NCOE અને તમિલનાડુ—એ શરૂઆતમાં જ બે-બે જીત મેળવીને પ્રી-ક્વાર્ટરફાઇનલ માટે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. છતાં, ગ્રુપ મેચોના અંતિમ રાઉન્ડ હજુ બાકી હોવાથી ટોચના સ્થાનો માટેની હરીફાઈ ખુલ્લી છે.

ઉદ્ઘાટન દિવસે સૌથી રોમાંચક મુકાબલાઓમાંથી એક ગ્રુપ Gમાં જોવા મળ્યો, જ્યાં ગુજરાતે હિમાચલ પ્રદેશને 3-2થી હરાવવા માટે કઠિન સંઘર્ષ કર્યો. મુકાબલો ઉતાર-ચઢાવથી ભરેલો હતો. ચાર્મી ત્રિવેદીએ શરૂઆતમાં રૂદ્રાંશી સામે લાંબી અને કઠિન મેચ હારી જતા ગુજરાત પર દબાણ આવ્યું. દાનિયા ગોડિલે તરત જ શાનદાર સીધી ગેમ જીતથી સ્કોર સમાન કર્યો, પરંતુ ડબલ્સમાં હિમાચલે ફરી લીડ મેળવી લીધી હતી. 

પરાજયની કગાર પર ઉભેલા ગુજરાત માટે દાનિયાએ દબાણમાં ઉત્તમ પ્રદર્શન કરતાં રૂદ્રાંશી સામે ચાર ગેમમાં જીત મેળવી અને ટીમને પાછી સ્પર્ધામાં લાવી. અંતિમ જવાબદારી ચાર્મી પર આવી, જેણે આરાત્રિકા શર્મા સામે શાંત અને સચોટ રમત બતાવી સીધી ગેમમાં જીત મેળવી અને ગુજરાતને મહત્વપૂર્ણ વિજય અપાવ્યો હતો. આ જીતે સારો પ્રારંભ આપ્યો, પરંતુ નજીકના અંતરે મળેલી જીતે કઠિન પડકારનો સંકેત આપ્યો.

આ ચેતવણી બીજા રાઉન્ડમાં સાચી સાબિત થઈ, જ્યાં ગુજરાત NCOE સામે 1-3થી હારી ગયું છે અને હવે ઝારખંડ સામેની અંતિમ ગ્રુપ મેચ પર ક્વોલિફિકેશન નિર્ભર છે.

અન્ય ગ્રુપોમાં પણ તીવ્ર મુકાબલાઓ જોવા મળ્યા હતા. ગ્રુપ Dમાં કર્ણાટકે હરિયાણાને 3-2થી હરાવ્યું હતું, જેમાં તનિશ્કા કલભૈરવે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાશી રાવે અંતિમ મેચ જીતીને ટીમને ટોચ પર મજબૂત બનાવ્યું હતું.

ગ્રુપ Eમાં આસામે તેલંગાણાને 3-2થી હરાવ્યું. દિવિજા પૉલે શરૂઆતમાં લીડ અપાવી અને તેલંગાણાના સાન્વી કમરાપુના પ્રતિકાર છતાં આસામે શાંતિ જાળવી રાખી, જેમાં ઈશાની ગોગોઇએ નિર્ણાયક જીત મેળવી લીધી હતી. 

મહત્વપૂર્ણ સ્થાનો હજી નક્કી થવાના બાકી છે અને ગુજરાત જેવી ટીમો માટે ક્વોલિફિકેશન હજી ખુલ્લું છે, જેથી લીગ તબક્કાનો અંત ખૂબ જ રોમાંચક બનવાની શક્યતા છે.

બીજા એક કઠિન મુકાબલામાં કેરળે મિઝોરમને 3-2થી હરાવ્યું, પરંતુ તેલંગાણા મિઝોરમને હરાવીને ગ્રુપ Eમાંથી બીજા ક્રમે ક્વોલિફાય થઈ શકે છે.

પરિણામો (ટીમ સ્ટેજ 1):

U-15 યુવતીઓ: (રાઉન્ડ 1 અને 2)

ગ્રુપ A: વેસ્ટ બંગાળે પોન્ડિચેરીને 3-0થી હરાવ્યું; વેસ્ટ બંગાળે ઉત્તર પ્રદેશને 3-1થી હરાવ્યું.

ગ્રુપ B: મહારાષ્ટ્રે ગોવાને 3-0થી હરાવ્યું; મહારાષ્ટ્રે ઉત્તરાખંડને 3-0થી હરાવ્યું.

ગ્રુપ C: PSPBAએ ચંદીગઢને 3-0થી હરાવ્યું, દિલ્હીએ D&Dને 3-0થી હરાવ્યું; PSPBAએ દિલ્હીને 3-0થી હરાવ્યું, ચંદીગઢે D&Dને 3-0થી હરાવ્યું.

ગ્રુપ D: કર્ણાટકે ઓડિશાને 3-0થી હરાવ્યું, હરિયાણાએ મેઘાલયાને 3-0થી હરાવ્યું; કર્ણાટકે હરિયાણાને 3-2થી હરાવ્યું, ઓડિશાએ મેઘાલયાને 3-0થી હરાવ્યું.

ગ્રુપ E: આસામે મિઝોરમને 3-0થી હરાવ્યું, તેલંગાણાએ કેરળને 3-0થી હરાવ્યું; આસામે તેલંગાણાને 3-2થી હરાવ્યું, કેરળે મિઝોરમને 3-2થી હરાવ્યું.

ગ્રુપ F: રાજસ્થાને છત્તીસગઢને 3-0થી હરાવ્યું, પંજાબે J&Kને 3-0થી હરાવ્યું; રાજસ્થાને પંજાબને 3-0થી હરાવ્યું, છત્તીસગઢે J&Kને 3-0થી હરાવ્યું.

ગ્રુપ G: ગુજરાતે હિમાચલ પ્રદેશને 3-2થી હરાવ્યું, NCOEએ ઝારખંડને 3-0થી હરાવ્યું; NCOEએ ગુજરાતને 3-1થી હરાવ્યું, હિમાચલ પ્રદેશે ઝારખંડને 3-1થી હરાવ્યું.

ગ્રુપ H: તમિલનાડુએ આંધ્ર પ્રદેશને 3-0થી હરાવ્યું, એમપીએ બિહારને 3-0થી હરાવ્યું; તમિલનાડુએ મધ્ય પ્રદેશને 3-0થી હરાવ્યું, આંધ્ર પ્રદેશે બિહારને 3-0થી હરાવ્યું.

ગુજરાત ટીમના સભ્યો:

દાનિયા ગોડીલ (સુરત), ચાર્મી ત્રિવેદી (ભાવનગર), ફિઝા પવાર (અમદાવાદ), વિન્સી તન્ના  (સુરત), ખનક શાહ (અમદાવાદ), ધીમહી કાબરાવાલા  (સુરત), નિત્યા ચોકસી (અમદાવાદ), મીશા લખાણી (અમદાવાદ), દિવા પટેલ  (સુરત), કોચ કૌશા ભૈરપુરે (અમદાવાદ), કોચ ભાવિન દેસાઈ (વલસાડ).