કચ્છ મ્યૂઝિયમની અનોખી પહેલ: ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા પ્રવાસીઓને માટીના કળશ ભેટ અપાયા

સ્થાનિક કળા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી આજે કચ્છ મ્યૂઝિયમ, ભુજ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મ્યૂઝિયમની મુલાકાતે આવેલા ૫૦ જેટલા પ્રવાસીઓને કચ્છની સ્થાનિક માટીમાંથી બનેલા સુશોભિત કળશ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. મહેન્દ્ર સિંહ સુરેલાએ જણાવ્યું હતું કે, “દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આ એક સાર્થક પ્રયાસ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મુલાકાતીઓ માત્ર મ્યૂઝિયમ જ ન નિહાળે, પરંતુ આપણી પ્રાચીન કલા-સંસ્કૃતિથી પણ પરિચિત થાય. સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પ્રત્યેની જાગૃતિ આપણા પરંપરાગત ઉદ્યોગો અને સ્થાનિક કારીગરોને આર્થિક પીઠબળ તેમજ પ્રોત્સાહન પૂરું પાડશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમને સફળ બનાવવામાં મ્યૂઝિયમના તમામ સ્ટાફનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો.

 કચ્છ મ્યૂઝિયમની આ અનોખી પહેલ દ્વારા પ્રવાસીઓએ કચ્છના ઐતિહાસિક વારસાને માણવાની સાથે સાથે કચ્છની માટીકામ કળાની વિશેષતાઓને પણ નજીકથી જાણી હતી. કચ્છ મ્યૂઝિયમ નિહાળવા પધારેલા તમામ પ્રવાસીઓએ મ્યૂઝિયમની સ્વદેશી અપનાવવાની સરાહનીય પહેલને બિરદાવી હતી.