કચ્છ મ્યુઝિયમની અનોખી પહેલ : ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા પ્રવાસીઓને માટીના કળશ ભેટ અપાયા
કચ્છ મ્યુઝિયમ, ભુજ ખાતે સ્વદેશી વસ્તુઓ અને સ્થાનિક કળાને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મ્યુઝિયમની મુલાકાતે આવેલા ૫૦ પ્રવાસીઓને કચ્છની સ્થાનિક માટીમાંથી બનેલા નાના કળશ (માટીના પાત્ર) ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. મહેન્દ્રસિંહ સુરેલાએ જણાવ્યું હતું કે, ” વડાપ્રધાનશ્રીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને ધ્યાનમાં રાખીને આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય મુલાકાતીઓ મ્યુઝિયમ નિહાળવાની સાથે આપણી પ્રાચીન કલા-સંસ્કૃતિને ઓળખે અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ વિશે જાગૃત થાય તેવો છે. આનાથી આપણા પરંપરાગત ઉદ્યોગો અને સ્થાનિક કારીગરોને નવું પ્રોત્સાહન મળશે.” વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, “આ સમગ્ર કાર્યક્રમની સફળતા પાછળ મ્યુઝિયમના સમગ્ર સ્ટાફનો પૂર્ણ સહયોગ રહ્યો છે. આ પહેલ દ્વારા પ્રવાસીઓએ મ્યુઝિયમના ઐતિહાસિક વારસાને માણવાની સાથે કચ્છની માટી કલાની વિશેષતાઓને પણ જાણી હતી. વધુમાં જણાવવાનું કે, મ્યુઝિયમના સ્ટાફ ઘ્વારા ભારતના નકશામાં આવેલ તમામ રાજયોને વિશેષ રીતે દિવાઓથી અલગ રીતેજ ભારતનો નકશો બનાવવામાં આવેલ હતો. મ્યુઝિયમની આ સરાહનીય કામગીરીને પ્રવાસીઓએ ખૂબ વધાવી લીધી હતી.