કચ્છની ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી અપાશે
પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી આપવાની ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેડૂતો ખરીફ પાક બચાવવામાં અથવા રવિ સિંચાઈમાં તેનો ઉપયોગ કરી શકે છે. ખેતતલાવડીમાં સંગ્રહિત પાણી થકી ખેડૂતો તેમના પાકને પૂરક સિંચાઈ કરી વધુ પાક ઉત્પાદન મેળવી શકશે તથા સાથોસાથ ભૂગર્ભજળમાં બચાવ પણ થશે. આ માટે રાજ્યના પાણીની અછતવાળા જિલ્લાઓમાં ખેડૂતોએ સ્વખર્ચે ખોદાણ કરી બનાવેલ ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી લાભ આપવા માટે આ યોજના જાહેર કરવામાં આવેલી છે, જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સરકારના ખર્ચે ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરાવવા માટેનો લાભ મેળવવા ખેડૂત ખાતેદારે ખેત તલાવડી સ્વખર્ચે બનાવવાની રહેશે. ચાલુ વર્ષે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ ઓનલાઇન પોર્ટલ g-talavadi.gujarat.gov.in ઉપર તા. ૧૫/૦૫/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન અરજી કરવાની રહેશે. આ રીતે પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરી દરેક તાલુકાદીઠ નિયત થયેલ અરજીઓની સંખ્યાની મર્યાદામાં ઓનલાઇન ડ્રો કરવામાં આવશે અને ડ્રો દરમિયાન પસંદ થયેલ અરજીઓનું ફીલ્ડ વેરિફિકેશન કર્યા પછી યોગ્ય કિસ્સાઓ માટે લાભાર્થી તરીકેનું આખરીકરણ કરવામાં આવશે. લાભાર્થી તરીકે અરજી મેળવ્યાથી ડ્રો સુધીની તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઇન સ્વરૂપે જ કરવામાં આવશે અને અરજકર્તા ખેડૂતોને SMS થી ડ્રો અંગેની જાણ પણ કરવામાં આવશે તેમજ વેબસાઇટ ઉપર પણ તેઓ આ અંગેની માહિતી મેળવી શકશે.
આ યોજનાની ટેક્નિકલ વિગતો મુજબ, આ યોજના હેઠળ ખેતતલાવડીની ઉપરના ભાગે મહત્તમ સાઇઝ ૪૦ મીટર x ૪૦ મીટર અને મહત્તમ ૬ મીટર ઊંડાઈ (૧.૫:૧ નો ઢાળ) રહેશે અને તે મુજબ સરકારી ખર્ચે મહત્તમ ૨૪૬૦ ચો.મીટર જથ્થામાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે. જો સંજોગોવશાત ખેડૂતો દ્વારા વધારે ખોદાણ કરવામાં આવેલું હશે અથવા ખેતતલાવડીની સાઇઝ વધારે હશે તો નિયત મહત્તમ મર્યાદા કરતાં જેટલા જથ્થામાં જીઓમેમ્બ્રેન વધારે વપરાશે તેનો ખર્ચ જે-તે ખેડૂત ખાતેદારે ભોગવવાનો રહેશે. સિંચાઈ વિભાગ દ્વારા જીઓમેમ્બ્રેન ફીટ કરવા માટે ઇજારદાર નક્કી કરવામાં આવશે અને આ ઇજારદાર દ્વારા જેમ-જેમ લાભાર્થીઓનું આખરીકરણ થશે તેમ તૈયાર થયેલ ખેતતલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે. આવી તૈયાર થયેલ ખેતતલાવડીઓમાં ચોમાસામાં મહત્તમ પાણીનો સંગ્રહ થાય તથા જીઓમેમ્બ્રેનને નુકસાન ન થાય તે પ્રકારે કાળજીપૂર્વકની જરૂરી સારસંભાળ રાખવાની જવાબદારી જે-તે લાભાર્થી ખેડૂત ખાતેદારની રહેશે.
ઓનલાઇન અરજીમાં ખેડૂત ખાતેદારે પોતાનું નામ, પૂરું સરનામું, મોબાઈલ નંબર, ખેડૂતના આધાર કાર્ડની નકલ, ખેત તલાવડી બનાવવા માંગતા હોય તે ખેતરનો સર્વે નંબર/બ્લોક નંબર તથા વિસ્તાર તેમજ ખેતરના ૭/૧૨ તથા ૮-અ ના ઉતારાની નકલ પૂરી પાડવાની રહેશે. વધુમાં, જીઓમેમ્બ્રેન નાખવાની જરૂરિયાત ચોરસ મીટરમાં દર્શાવવાની રહેશે, જેમાં અરજદારે ખેત તલાવડીની સાઇઝને ધ્યાને લઈને તેમજ ખેત તલાવડીના મથાળે મહત્તમ ૩ મીટર પટ્ટામાં એન્કરીંગ ગણી શકાશે. આ સાથે સ્વખર્ચે ખેત તલાવડીનું ખોદાણકામ કરવા અંગે તેમજ તેની મરામત, સાફસફાઈ અને જાળવણી સ્વખર્ચે કરવા અંગેનું બાંહેધરી પત્રક અને અન્ય જરૂરી વિગતો પણ રજૂ કરવાની રહેશે. આ કામગીરીને લગતી વધુ માહિતી g-talavadi.gujarat.gov.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે તેમ કાર્યપાલક ઈજનેર, કચ્છ સિંચાઈ બાંધકામ વિભાગ, ભુજ-કચ્છ દ્વારા જણાવવામાં આવ્યું છે.