મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમીન મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમીન મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય
જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૧૩૫-Dની જોગવાઈમાં કરાયો સુધારો; ૩૦ દિવસની નોટિસમાંથી નાગરીકોને મુક્તિ મળશે: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
*****
* વિવાદ ન હોય તેવા કિસ્સામાં તે જ દિવસે વેચાણની નોંધ પ્રમાણિત કરીને ‘પાકી એન્ટ્રી’ થશે
* તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરાયો
* મિલકતના સોદામાં બિનજરૂરી વાંધા-વચકામાંથી મુક્તિ મળશે; ભવિષ્યમાં તકરારી કેસો ખૂબ ઘટશે
*****
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મહેસૂલ તંત્રમાં પ્રવર્તતી જટિલતાઓ દૂર કરીને પારદર્શિતા લાવવા તેમજ સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓને દૂર કરવા એક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મહેસૂલી સરળીકરણ માટે “જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯”ની કલમ ૧૩૫-Dની જોગવાઈમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાથી હવે કાયદેસરના જમીન અથવા મિલકતના વ્યવહારોમાં નાગરિકોને ૩૦ દિવસની નોટિસના સમયગાળાની રાહ જોવામાંથી મુક્તિ મળશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જમીન કે મિલકતના વેચાણ વ્યવહારોમાં ૩૦ દિવસની ફરજિયાત નોટિસના કારણે સામાન્ય જનતાએ લાંબી રાહ જોવી પડતી હતી. આ સમયગાળાનો ખોટી રીતે ગેરલાભ લેનાર કેટલાક તત્વો ખોટા વાંધા-વચકા ઉઠાવીને વેચનાર કે ખરીદનાર પાસેથી નાણાં પડાવવાનું (બ્લેકમેલિંગ) કામ કરતા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ જટિલતાને સમજીને ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતમાં ૧૩૫-Dની ૩૦ દિવસની નોટિસની અનિવાર્યતામાંથી મુક્તિ આપવાનો સાહસિક નિર્ણય લીધો છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, નવા સુધારા પ્રમાણે, રેકોર્ડ પર જમીનમાં છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ફેરફાર નોંધ ન હોય, જમીન પર કોઈ લિટીગેશન કે દાવો પડતર ન હોય અને શાંત કબજો હોય તેમજ ૭/૧૨ના રેકોર્ડ પર દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય તેવા વ્યવહારોમાં ૧૩૫-Dની નોટીસ વગર, તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવામાં આવશે. આવા કિસ્સાઓમાં ૧૩૫Dની નોટિસ બજવવાની પ્રક્રિયા સિવાય સીધી નોંધનો નિર્ણય લેવામાં આવશે અને વેચાણની નોંધ તુરંત પ્રમાણિત કરીને ‘પાકી એન્ટ્રી’ કરવામાં આવશે.
આ ઉપરાંત સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા હુકમોની નોંધ વખતે પણ હવે ૧૩૫Dની નોટીસ બજવવાની રહેશે નહીં, તેની સીધી જ અમલાવારી કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
જો એક વર્ષની અંદર રેકોર્ડમાં કોઈ ફેરફાર થયો હોય, વેચાણ પાવર ઓફ એટર્ની (PoA) દ્વારા કરવામાં આવ્યું હોય, ૭/૧૨માં દેખાતા તમામ વ્યક્તિઓની દસ્તાવેજમાં સહી ન હોય અથવા કોઈ કેસ પેન્ડિંગ હોય તેવા તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરવામાં આવ્યો છે. આ ૭ દિવસમાં સાચા હકદારો પોતાના આધાર-પુરાવા રજૂ કરી શકશે, જેથી કોઈને અન્યાય ન થાય. આ સુધારાઓથી રાજ્યના ખેડૂતો, મિલકત ખરીદનારાઓ અને સામાન્ય જનતાને બિનજરૂરી કાયદાકીય ગૂંચવણ અને વિલંબમાંથી કાયમી મુક્તિ મળશે. સાથે જ, સીધી લીટીના વારસદારો વચ્ચે થતી તબદીલીમાં પણ હવે બિનજરૂરી હેરાનગતિ બંધ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સુધારો માત્ર ખેતીની જમીન માટે જ નહીં, પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાંકના મકાનો લેતી સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂપ છે. સીધી લીટીના વારસદારોના વ્યવહારોમાં પણ હવે સરળતા રહેશે. રેવન્યુ કોર્ટમાં મામલતદારથી લઈને SSRD સુધી ચાલતા કેસો, જે માત્ર ૧૩૫Dના વાંધાને લીધે વિલંબમાં હતા, તેનો ઝડપથી નિકાલ આવશે. ભવિષ્યમાં તકરારી કેસો ખૂબ ઘટશે અને સૌથી મહત્વપૂર્ણ મિલકતના ભાવ વધતા કેટલાક લોકો જૂના બાનાખત-કાચી ચિઠ્ઠીના આધારે ખોટા વાંધા ઉઠાવીને રકમ પડાવતા હતા, તે બ્લેકમેલિંગ પણ હવે બંધ થશે. પરિણામે ખરીદનાર અને વેચનાર હવે કોઈપણ ડર વગર નિર્ભય થઈને વ્યવહાર કરી શકશે.
મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય મહેસૂલી પ્રક્રિયાને વધુ પારદર્શક, સમયબદ્ધ અને અસરકારક બનાવશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો નાગરિકોને મળશે.
*********