વિના મંજૂરીએ અભ્યારણ અને રિઝર્વ ફોરેસ્ટની જમીન પરથી પસાર થતા રસ્તાઓ પરથી ગેરકાયદેસર રીતે ભારે વાહનોનું પરિવહન કરતી કંપનીને અટકાવી કડક કાર્યવાહીની માંગ
સવિનય જણાવવાનું કે હું અરજદાર કચ્છ જીલ્લાના લખપત તાલુકાના કપુરાશી ગામનો રહેવાસી છું અને આ અરજી દ્વારા આપનું ધ્યાન વનવિભાગની જમીન પર વાઈટ વાઈબ સોલ્ટ પ્રા.લિ નામની ખાનગી કમ્પની દ્વારા થઈ રહેલા ગંભીર અતિક્રમણ તરફ દોરવા માંગું છું. અત્રેના વિસ્તારમાં આવેલ વન વિભાગની આરક્ષિત જમીન તથા ગૌચરને અડીને આવેલ અભયારણ્ય વન વિસ્તારમાં આ ખાનગી કંપની. દ્વારા છેલ્લા કેટલાય સમયથી અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. કમ્પની દ્વારા વન વિભાગના અનેક વર્ષો જુના કાચા રસ્તાઓ કે જે માત્ર વન વિભાગ માટે હોય છે, તેનો ઉપયોગ ગેરકાયદેસર રીતે કંપનીના ભારે ડમ્પર અને મશીનરીના પરિવહન માટે કરવામાં આવે છે. જેના કારણે સ્થાનિક દુર્લભ વનસ્પતિઓ અને વન્યજીવોના રહેઠાણને નુકસાન થઈ રહ્યું છે. ઉપરાંત કંપની દ્વારા મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બ્રેકર મશીનો દ્વારા મોટા પાયે ખોદકામ કરીને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. મશીનોનો અવાજ લગભગ ૫ કી.મી. દુર કપુરાશી ગામ સુધી મહેસુસ કરી શકાય છે. તો આસ-પાસ ના અભયારણ્યના વન્યજીવોની શું હાલત થતી હશે. તેની કલ્પના કરવી પણ અઘરી છે. સાથોસાથ અહીં ચિત્તાઓને સુરક્ષિત રાખવા તથા સંવર્ધન માટે બનાવેલ લેપર્ડ ઝોન પણ કમ્પનીથી પશ્ચિમ બાજુ મુસ્કેલથી માત્ર ૨૦૦/૩૦૦ મીટર જ દુર હશે. એમની ઉપર પણ દિવસ રાત શું વીતતી હશે એ તો ગંભીર પ્રશ્ન છે.
ભારતની સુરક્ષા ના મહત્વપૂર્ણ પાયા એવા બી.એસ.એફ વિભાગને વનવિભાગ દ્વારા પોતાની ચોકી સુધી આવવા-જવા માટે એક રોડ બનાવવા માટે છેલ્લા ૧૫ વર્ષથી મંજુરી આપવામાં ગલ્લા-તલ્લા કરવામાં આવી રહ્યા છે. તથા બી.એસ.એફ ચોકી માટે પીવાના પાણીની લાવેલી પાઈપલાઈનો સડી ગઈ પણ વનવિભાગ દ્વારા હજુ સુધી એ નાખવા દેવામાં નથી આવતી. પરંતુ કયા કારણોસર એક ખાનગી કમ્પની પર વનવિભાગ આટલો મહેરબાન થઈ સમગ્ર જમીન, વૃક્ષો, ઘાસ, બેટ વગેરેનો નાશ કરવાની ખુલ્લી છૂટ આપવામાં આવી છે. તે એક ગંભીર બાબત છે.
લખપત તાલુકાના કપુરાસી એને કઈયારી ગામની સીમમાં ચીંકારા અભ્યારણ વિસ્તાર, કઈયારી રિઝર્વ ફોરેસ્ટ એને કપુરાશી ગામની ગોચર જમીન ઉપર દાદાગીરી પૂર્વંક દબાણ કરી વર્ષો જુના રસ્તાઓનો પોતાના ખાનગી હિત સાધવા માટે ગેરઉપયોગ કરે છે અને પ્રાકૃતિક ટાપુઓ ઉપર રાત દિવસ ખોદ કામ કરી લાખો ટન માટી એને પથરો ખોદી પશુઓનું એને જંગલી જાનવરો નું ચરીયાણ નષ્ટ કરી દીધેલ છે એને અસંખ્ય ખેજડા, પીલુડી,ખેર, લિયાર જેવા વિલુપ્ત થવાના આરેના અને આરક્ષિત વૃક્ષો નષ્ટ કરી દીધેલ છે જેના કારણે અમારા વિસ્તાર ના પશુધન અને વન્ય પ્રાણીઓ ને ભૂખ થી મરવાનો વારો આવ્યો છે. આ બાબતે સ્થાનિક અધિકારી સ્તરે અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેનાથી એવું પ્રતીત થાય છે કે સ્થાનિક અધિકારીઓની મીલીભગત અથવા છૂપી સંમતિથી જ આ પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. જેમાં વન વિભાગના વાવેલા રોપાઓ વચ્ચેથી દસેક જેટલા ગેરકાયદેસર રસ્તા બનાવી વાવેતરને મોટુ નુકસાન પહોંચાડેલ છે છતાં વનવિભાગ ચૂપ છે અને મસીનો ના ઘોંઘાટ અને ભારે વાહનો ની અવર જવર થી ચીંકારા અને અન્ય પ્રાણીઓ આ વિસ્તાર છોડવા મજબુર બન્યા છે છતાં વન તંત્ર મૌન છે વળી કોઈ પણ મંજૂરી વગર ગામની ગોચર જમીન ઉપર ખુલ્લેઆમ રસ્તા કાઢવા એ પણ અમુક સ્થાનિક અગ્રણીઓ અને મહેસુલ અધિકારીઓની મીલીભગત વગર શક્ય બને તેમ નથી
આ ઉપરાંત અમને પૂર્ણ શંકા છે કે, કમ્પની દ્વારા પોતાની આવંટિત જમીન સિવાય ફોરેસ્ટ તથા ગૌચર અને સરકારી પડતર જમીનો પર પણ કમ્પની દ્વારા અનધિકૃત દબાણ મોટાપાયે કરવામાં આવી રહ્યો છે. સ્થળ તપાસ કરી તેની હદની પણ ખરાઈ કરવામાં આવે.
અમારી વિનંતી છે કે, ફોરેસ્ટ વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા વનવિભાગના રસ્તા પરથી પસાર થતી કમ્પનીની ગાડીઓ પકડીને ફોજદારી રહે ગુન્હો દાખલ કરવામાં આવે અને ગાડીઓ ડીટેઈન કરવામાં આવે. કમ્પની દ્વારા થતું ખોદકામ જો ગેરકાયદે હોય તો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. જો કમ્પનીની જમીનમાં જ ખનન કરવામાં આવતું હોય તો તેની મંજુરી લીધેલ છે કે નહી તેની પણ તપાસ કરવામાં આવે તથા ખનન ના કારણે વન્યજીવો તથા વન્યસૃષ્ટિ પર આડઅસરની તપાસ પણ કરવામાં આવે. આ પ્રવૃત્તિમાં સામેલ જવાબદાર વન અધિકારીઓ અને આ કંપની દ્વારા થયેલ મહા વિનાશનો સર્વે કરાવી કંપની વિરુદ્ધ વન સંરક્ષણ અધિનિયમ હેઠળ કડક તપાસ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે તપાસ દરમ્યાન ગેરરીતિ સામે આવે તો સમ્બન્ધિત અધિકારીઓ તથા કમ્પની વિરુદ્ધ ફોજદારી રહે ગુન્હો દાખલ કરવામાં આવે એવી અમારી માલધારીઓની નમ્ર વિંનતી છે.
જો અંગે તરત કાર્યવાહી નહિ કરવામાં આવે તો અમારે મજબૂરી પૂર્વંક આ રસ્તાઓ ઉપર ભૂખ હડતાલ માં બેસવું પડશે. જો આ બાબતે ૧૫ દિવસમાં યોગ્ય તપાસ કે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો મજબુરીવશ નામદાર કોર્ટના દ્વાર ખખડાવવા મજબૂર થઈશું