નિરોણાની સારસ્વતમ સંચાલિત પી.એ. હાઈસ્કૂલમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન

સારસ્વતમ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ, નિરોણામાં નખત્રાણા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિદ્યાર્થીઓમાં કાનૂની જાગૃતિ લાવવાના હેતુસર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને વિવિધ કાનૂની મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવેલ હતી.
કાર્યક્રમની શરૂઆત શારદે વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય ડૉ. વિ.એમ. ચૌધરીએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે નખત્રાણા તાલુકા કોર્ટની ઈ-સેવા PLV જયશ્રીબેન જોષીએ નિઃશુલ્ક ન્યાય વ્યવસ્થા, કાનૂની સહાય, કાનૂની જાગૃતિ તેમજ ગ્રાહક સુરક્ષા જેવા મહત્વપૂર્ણ વિષયો પર સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પોતાના હકો વિશે સજાગ રહેવા અને જરૂર પડ્યે કાનૂની સહાયનો લાભ લેવા પ્રેરણા આપી હતી.
એડવોકેટ નિકેશભાઈ ઠક્કરે બાળ અપરાધ, ડિજિટલ હેરેસમેન્ટ, સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ, ધરપકડ સંબંધિત કાનૂની જોગવાઈઓ તેમજ વાહન વ્યવહાર કાયદા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને કાયદાનું પાલન કરી સજાગ અને જવાબદાર નાગરિક બનવા માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં નિરોણાના એડવોકેટ પરષોત્તમભાઈ નઝાર તેમજ નખત્રાણા કોર્ટના લિગલ આસિસ્ટન્ટ જ્યોતિબેન સુથારની ઉપસ્થિતિ રહેલ હતા.
સમગ્ર કાર્યક્રમનું સંકલન નર્મદાબેન મકવાણાએ કર્યું હતું, જ્યારે કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાનીએ કરેલ હતી.
વિદ્યાર્થીઓમાં કાનૂની જાગૃતિ ફેલાવવાનો આ કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી.