કચ્છની ભારત-પાક સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ: CRPF દ્વારા શૌર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી

દર વર્ષે ૦૯ એપ્રિલના દિવસે સીઆરપીએફ દ્વારા કચ્છની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ સીઆરપીએફના ઉચ્ચ અધિકારીશ્રીઓએ સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થઈને શહીદોના બલિદાનને યાદ કર્યું હતું. આ કાર્યક્રમમાં સીઆરપીએફની સાથે બીએસએફ અને પોલીસ વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ ૧૯૬૫માં પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા ડેઝર્ટ હોક ઓપરેશનનો પ્રતિકાર કરતા સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફની બટાલિયને અદમ્ય વીરતાનો પરિચય આપીને દુશ્મનની બ્રિગેડને પીછેહટ કરવા મજબૂર કરી હતી. આ વીરતાભર્યા પરાક્રમની ગાથાને યાદ કરીને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સીઆરપીએફ મુંબઈ ક્ષેત્રના આઈજીશ્રી વિરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, એ સમયની વિકટ પરિસ્થિતિમાં સીઆરપીએફ જવાનોએ ૩ હજારથી વધારે દુશ્મનોની સામે બહાદુરીપૂર્વક ટક્કર ઝીલી હતી. ચારેય બાજુથી ઘેરાયેલા હોવા છતાં દુશ્મનોને પડકાર ફેંકીને દેશ પ્રત્યે સર્વસ્વ ન્યોછાવર કરવાનો અદમ્ય પરિચય જવાનોએ આપ્યો હતો. સીઆરપીએફના જવાનોની બહાદુરી અને ભારત દેશની એક ઈંચ પણ જમીન નહીં આપવા દ્ઢ નિશ્ચય સામે દુશ્મનની ફૌજની હાર થઈ હતી. આઈજીશ્રી વિરેન્દ્ર અગ્રવાલે સીઆરપીએફમાં નવનિયુક્ત કેડેટ્સને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, શૌર્ય દિવસની ગાથામાંથી શીખ મળે છે કે આપણી હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારી જઈએ. મન મક્કમ રાખીને દેશસેવા કરવી જોઈએ. સીઆરપીએફ એક નાનકડી ટુકડીની ગાથા સમગ્ર ભારતીયો માટે ગર્વ સમાન છે. તેઓએ પ્રાણની આહુતિ આપનારા જવાનોને શ્રદ્ધા સુમન અર્પણ કરીને દેશન વીર જવાનોને વધુ મક્કમતાથી સરહદોનું રક્ષણ કરવા જણાવ્યું હતું.
ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજીશ્રી ધર્મેન્દ્ર સિંહ વિસેન એ કચ્છની સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરીને શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. શૌર્ય દિવસની ઉજવણીના સહયોગ માટે તેઓએ બોર્ડર સિક્યોરિટી ફોર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ૧૯૬૫ના યુદ્ધમાં પાકિસ્તાનની ૩ હજારથી વધારે સૈનિક ધરાવતી એક બ્રિગેડે સરદાર પોસ્ટ ખાતે હુમલો કર્યો હતો. સીઆરપીએફના જવાનો એ સમયે માત્ર ૧૫૦ની સંખ્યામાં જ હાજર હતા છતા પણ તેઓએ નિર્ભિકતાથી અને સૂઝબૂઝથી પોતાની વીરતાનો પરિચય આપીને દુશ્મનને પીછેહટ કરવા ફરજ પાડી હતી. સીઆરપીએફના વળતા પ્રહારથી પાકિસ્તાનના ૩૪ સૈનિકો માર્યા ગયા અને દુશ્મનના લશ્કરને ભારે ખુવારીનો સામનો કરવો પડ્યો હતો. દુશ્મનની સાથે લડતા લડતા સીઆરપીએફની બીજી બટાલિયનના ૭ જવાન શહીદ થયા હતા. સીઆરપીએફને ૪ પાકિસ્તાની સૈનિક જીવતા પકડવામાં સફળતા મળી હતી.
આ શૌર્ય દિવસની ઉજવણી દરમિયાન સીઆરપીએફ દ્વારા સરદાર પોસ્ટ ખાતે બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરવામાં આવી હતી. શૌર્ય દિવસના કાર્યક્રમમાં સીઆરપીએફ મુંબઈ ક્ષેત્રના આઈજીશ્રી વિરેન્દ્ર અગ્રવાલ, ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજીશ્રી ધર્મેન્દ્ર સિંહ વિસેન, બીએસએફ ૯૦ બટાલિયનના કમાન્ડન્ટશ્રી વિજયકુમાર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. વિશ્વા શાહ, સીઆરપીએફના ઉપ-કમાન્ડન્ટશ્રી અભિજીત કાલે, સીઆરપીએફ આસિસ્ટન્ટ કમાન્ડન્ટશ્રી દિનેશ ચંદ્ર ચંદેલ, નાયબ માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારીશ્રીઓ, સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.