વન્યજીવો અને સુરક્ષાના હિતમાં કચ્છના ‘રોડ ટુ હેવન’ પર ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ

કચ્છના જાણીતા “રોડ ટુ હેવન” ની બંને બાજુએ ‘કચ્છ રણ વન્યપ્રાણી અભયારણ્ય’ આવેલું છે. આ વિસ્તારમાં વન્યજીવો અને પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ કરવું ખૂબ આવશ્યક છે.

ડ્રોન દ્વારા કરવામાં આવતા શૂટિંગથી વન્યજીવોના સ્વાભાવિક વર્તનમાં વિક્ષેપ પડે છે. આ બાબતને ગંભીરતાથી લઈને, આ અભયારણ્ય વિસ્તારમાં ડ્રોન શૂટિંગ કરવું એ ‘વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨’ હેઠળ સજાપાત્ર ગુનો બને છે. વધુમાં, આ વિસ્તાર સીમા સુરક્ષા દળ (BSF) ની હદની નજીક આવેલો હોવાથી, સુરક્ષાના કારણોસર પણ તે ‘ડ્રોન પ્રતિબંધિત વિસ્તાર’ (No Drone Zone) માં આવે છે. જાહેર જનતાની જાણકારી માટે આ વિસ્તારમાં વિવિધ સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

આમ, વન વિભાગ દ્વારા તમામ નાગરિકો અને પ્રવાસીઓને વિનંતી કરવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિએ “રોડ ટુ હેવન” વિસ્તારમાં ડ્રોન ઉડાડવું નહીં કે ડ્રોનથી શૂટિંગ કરવું નહીં. વન્યજીવો અને પર્યાવરણના રક્ષણ માટે આ નિયમનું ચુસ્તપણે પાલન કરી વન વિભાગને સહકાર આપવા સૌને અનુરોધ છે.

આ સૂચનાઓનું ઉલ્લંઘન કરી ડ્રોન ઉડાડનાર કોઈપણ વ્યક્તિ સામે વન વિભાગ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ કચ્છ વન વિભાગ, રાપર ઉત્તર વાઇલ્ડ લાઇફ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા જણાવાયું છે.