આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય એ પ્રકારના બલ્ક એસ.એમ.એસ.ઉપર પ્રતિબંધ રહેશે
આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી ચાલશે. આગામી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ચૂંટણી આયોગ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. રાજય ચૂંટણી આયોગના તા.૧૬/૧૨/૧૯૯૪ના હુકમ ક્રમાંક: એસઇસી/ઇએલસી/ એમયુએન/એસસીએલ/૯૪ની વિગતે અને ભારતના ચૂંટણી પંચના પત્ર ક્રમાંક ૪૬૪/જીજે-એલએ/૨૦૦૭ તા. ૨૬/૧૧/૨૦૦૭થી મતદાન પુરુ થતા સમયગાળા પહેલા ૪૮ કલાકના સમયગાળામાં પોલીટીકલ નેચર વાળા બલ્ક એસ.એમ.એસ.ના ટ્રાન્સમીશન પર પ્રતિબંધ ફરમાવેલ છે. જેથી શ્રી આનંદ પટેલ, IAS, જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ–ભુજએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રૂએ સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/ પેટા ચૂંટણીઓ-૨૦૨૬ સંદર્ભે તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી નીચે મુજબના હુકમ કર્યો છે.મતદાન પુરુ થતા સમયગાળા પહેલા ૪૮ કલાકના સમયગાળામાં કોઈપણ વ્યક્તિને પોલિટીકલ નેચર વાળા બલ્ક એસ.એમ.એસ. મોકલી શકાશે નહીં. કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ફરિયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉ૫રના કર્મચારીઓને રહેશે.