જમ્મુમાં બસ પલટી જતાં 21 યાત્રીનાં મોત : 29થી વધુ ઘાયલ

copy image

copy image

રામનગર ક્ષેત્રનાં કાનોટે ગામમાં રામનગરથી ઉધમપુર જતી બસ અચાનક બેકાબુ બનીને પલટી જતાં 21 યાત્રીનાં મોત નિપજ્યાં હતાં. પ્રથમક વિગતો અનુસાર કગોટ પાસે રસ્તાથી લગભગ 100 ફૂટ ઊંડે ખાબકીને આખી બસ પલટી જતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ લોહિયાળ દુર્ઘટનામાં અન્ય 29થી વધુ યાત્રી ઘાયલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવ ખોનારા યાત્રીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મૃતકોના પરિવારોને બે-બે લાખ અને ઘાયલોને 50  હજારનાં વળતરની ઘોષણા કરી હતી. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, દુર્ઘટનાનો શિકાર બનેલી બસ જાહેર પરિવહનની હતી. બસ યાત્રીઓથી ઓવરલોડ હતી અને તેની ગતિ પણ ઘણી વધારે હતી, તેવું ઘાયલ યાત્રીઓએ જણાવ્યું હતું. ડ્રાઇવર બસ પર કાબૂ રાખી શક્યો નહોતો એટલે ખાઇમાં પડી ગયા પછી બસનો ઉપરનો ભાગ આખો નષ્ટ થઇ ગયો હતો. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા, કેટલાકની હાલત ગંભીર હોવાથી મરણઆંક વધવાની શક્યતા કરાઇ હતી.