ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભરૂચ ખાતેથી જીતનો મક્કમ આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા ભાજપની વિકાસની રાજનીતિ પર ફરી એકવાર મહોર મારશે અને મત રૂપી આશીર્વાદ આપી ભગવો લહેરાવશે.
ભરૂચમાં પ્રબુદ્ધ મહાનુભવો સાથે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સંવાદ કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરતા ડૉ. પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, વિરોધ પક્ષો આજે ગુજરાતની જનતાનો વિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવી બેઠા છે. જનતા જાણે છે કે સ્થિરતા અને વિકાસ માત્ર ભારતીય જનતા પાર્ટી જ આપી શકે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચ્યા છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સર્વાંગી વિકાસની આ ગાડીને વધુ વેગ આપવા માટે આગામી ૨૬ તારીખે જનતા જનાર્દન ફરી ભાજપને વિજયી બનાવશે."
ડૉ. કોરાટે ગર્વભેર જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીના કુશળ માર્ગદર્શન હેઠળ ભાજપ આ ચૂંટણીમાં નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં વિકાસના મુદ્દે જનમત ભાજપની તરફેણમાં હોવાનો વિજય વિશ્વાસ તેમણે અંતમાં વ્યક્ત કર્યો હતો.