સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ બુલંદ – આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ભુજમાં ભવ્ય રોડ શો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે કચ્છમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેજા હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હવે જ્યારે મતદાનને આડે માત્ર ચાર જ દિવસ બાકી રહ્યા છે ત્યારે આવતીકાલ તા. ૨૨/૪/૨૦૨૬ ના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના એક ભવ્ય રોડ શો સહ બાઈક રેલીનું આયોજન જિલ્લા મથક ભુજ ખાતે કચ્છ જીલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે.
કચ્છ જિલ્લામાં જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો અને બધી જ નગરપાલિકાઓની ચૂંટણીને કેડર બેઝ્ડ ગણાતી ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ગંભીરતાથી લઈને એક આયોજનબદ્ધ, વિક્રમી જીત તરફ આગળ વધી રહી છે. શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં જીલ્લા ભાજપ અધ્યક્ષ, સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદેદારો સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પ્રચાર કાર્યમાં ખૂબ જ ઉમંગભેર જોમ લાવી જ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આવતીકાલે બુધવારે સાંજે ભુજ આવી રહ્યા છે અને તેઓ એક ભવ્ય રોડ શોથી પ્રચાર અભિયાનમાં એક નવા જ રંગ અને ઉત્સાહ પૂરશે.
નાયબ મુખ્યમંત્રીશ્રી આવતીકાલે સાંજે સાડા પાંચે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય રોડ શો સહ બાઈક રેલીનો પ્રારંભ કરશે. આ રોડ શોમાં બહોળી સંખ્યામાં પાર્ટીના અગ્રણીઓ, કાર્યકરો અને ભુજવાસીઓ જોડાશે. રેલીમાં ખુબ મોટી સંખ્યામાં બાઇક સવાર કાર્યકરો જોડાશે તેની સાથે પગપાળા પણ અનેક લોકો, કાર્યકરો સાથે જોડાશે.
આ અનુસંધાને જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માટે લોકસભા, વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય પણ એક એક મતદારોના હ્રદય સુધી પહોંચવાની ક્ષમતા અને નીતિ-રીતિના એક ભાગરૂપે આ રેલીનું આયોજન કરાયું છે. ચૂંટણીના એક શંખનાદ સ્વરૂપે ઢોલીઓના ઢોલના નાદે વાજતે ગાજતે આ રેલી ભુજ શહેરના જાહેર માર્ગો પર આગળ વધશે.
રેલીનો પ્રારંભ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી થશે. રેલી આગળ વધતાં ડો. પી. એન. આચાર્યનાં દવાખાનાથી ભાનુશાલી બોર્ડિંગ, વિજયનગર, ક.વિ.ઓ થઈ આગળ વધશે. ત્યાંથી આ રેલી હોસ્પિટલ રોડ પર ડો. દિલ્હીવાલાના દવાખાનાથી, કેડીસીસી બેન્ક, અંબાજી મંદિર, લાયન્સ હૉલ, રાજારામ કોમ્પલેક્ષ, ડો. વી.એચ.પટેલ હોસ્પિટલ, લાલ ટેકરી, ભાવેશ્વર નગર, બીએમ પેટ્રોલ પંપ, અનમ રિંગ રોડ થઈ ધાટીયા ફળિયા, ફરસાણી દુનિયા, વ્હાઇટ બિલ્ડિંગ, શેઠિયા સમાજ વાડી, તળાવ શેરી રિંગરોડ, સંસ્કૃત ભારતી થઈ પૂજારા ટેલિકોમ, છઠ્ઠી બારી પાસે ભુજના મોટાભાગના શહેરી વિસ્તારોમાં ફર્યા પછી વિરામ પામશે.
આ ભવ્ય રેલીના સફળતાપૂર્વક આયોજનમાં જીલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી સહિત કચ્છ ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સહિત સમગ્ર ટીમ તૈયારીઓમાં જોતરાઈ ગઈ હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ સુનીલ માંકડની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.