નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના રોડ-શોને ભુજમાં ભવ્ય આવકાર

ભુજના માર્ગો પર હકડેઠઠ્ઠ મેદની, ઢોલીઓના નગારે નાદ, ઠેકઠેકાણે પુષ્પોની વર્ષા અને રાસમંડળીની રંગત વચ્ચે સંપન્ન થઈ રેલી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરોબરનો જામ્યો હોવાની સાબિતીરૂપ બુધવારે સાંજે યોજાયેલી ગુજરાતના યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ભવ્ય રેલીના સફળ આયોજન સાથે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ભુજને જાણે મુખ્ય માર્ગો પર લાવી દીધું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને આડે હવે ત્રણ દિવસ રહ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ભાજપના ચૂંટણી પ્રચાર જંગને વેગ આપવા આજરોજ ભુજ પધાર્યા હતા અને ભુજમાં એક પ્રચંડ રોડ શો, બાઈક રેલીના આયોજન થકી સમગ્ર શહેરનો ચૂંટણીમય માહોલ જાણે સંપૂર્ણપણે ભાજપમય બનાવી દીધો હતો. કચ્છ જીલ્લા ભાજપ સંગઠન અને ભુજ શહેર ભાજપ સંગઠન દ્વારા કરાયેલ આયોજનને અત્યંત ભવ્ય અને અભૂતપૂર્વ સફળતા મળી હતી.

જ્યુબિલી ગ્રાઉન્ડથી રોડ-શોના પ્રસ્થાન પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.  જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ,  જિલ્લા સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી સહિત જિલ્લો ભાજપના હોદેદારોએ તેમનું ભાવભીનું અભિવાદન કર્યું હતું જ્યારે શ્રી સંઘવીએ આ પ્રસંગે બિરાજમાન ભુજ નરનારાયણ દેવ મંદિરના સંતોનું બહુમાન કરી તેઓના આશીર્વાદ મેળવ્યા હતા.

જ્યુબિલી ગ્રાઉન્ડથી શરૂ થયેલા રોડ-શોને ઠેરઠેર ભવ્ય ઉત્સાહ સાથે વધાવાયો હતો. રોડ-શોના પ્રારંભે જ જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ભુજ શહેર વોર્ડ નંબર ૯ ના ચારેય ઉમેદવારો સાથે ભુજ જૈન સમાજ દ્વારા નાયબ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોર્ડ ૭ અને ૮ ના ઉમેદવારો સહિત રબારી સમાજના ભાઈઓએ પણ નાયબ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.

ડો. પી.એન.આચાર્યના દવાખાના પાસે પહોંચતાં હર્ષભાઈનું અભિવાદન ડો. મુકેશભાઇ ચંદેના નેતૃત્વમાં લોહાણા સમાજે ભવ્ય રીતે કર્યું હતું. ભાનુશાલી બોર્ડિંગ પાસે ભાનુશાલી સમાજે, વિજયનગર પાસે ક્ષત્રિય સમાજ દ્વારા, કવિઓ પાસે જિગરભાઈ છેડા દ્વારા અભિવાદન કરાયું હતું. આ દરમ્યાન હોર્ડિંગ્સ પરથી પ્રશાંતભાઈ સોલગામા અને સાથીઓ દ્વારા સતત પુષ્પવર્ષા ચાલુ રહી હતી.

રેલી ડો. દિલ્હીવાલા હોસ્પિટલ નજીક પહોંચી ત્યારે સોની સમાજ દ્વારા, કેડીસીસી બેન્ક પાસે અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખ દેવરાજભાઈ ગઢવીની સાથે સમગ્ર ગઢવી સમાજ દ્વારા, અંબેમાના મંદિર પાસે મહેશ્વરી સમાજ અને અનુસૂચિત મોરચા દ્વારા, લાયન્સ હૉલ પાસે અભયભાઈ શાહ અને વિજયભાઇ દ્વારા, રાજારામ કોમ્પલેક્ષ પાસે આઈએમએ પ્રમુખ ડો. લવ કાતિરા દ્વારા, ડો. વી.એચ.પટેલ હોસ્પિટલ પાસે ભીલ સમાજ, નટ સમાજ, દેવીપૂજક સમાજ દ્વારા, વોડાફોન સ્ટોર પાસે સમગ્ર જૈન સમાજ દ્વારા. લાલ ટેકરી પાસે પૂર્વ નગરસેવક રાજેશભાઇ ગોર અને ધીરેનભાઈ ઠક્કર દ્વારા, ભાવેશ્વર નગર પાસે લઘુમતી મોરચા દ્વારા, ભૂધરમલ પેટ્રોલ પંપ પાસે પટેલ સમાજ દ્વારા રેલીના વધામણા કરવામાં આવ્યા હતા અને શ્રી સંઘવીને સન્માનવામાં આવ્યા હતા.

અનમ રિંગરોડ શરૂ થતાં ગોસ્વામી સમાજ દ્વારા, કચ્છ બંધેજથી વાણિયાવાડ સુધી વોકળા ફળિયા વેપારી એસોસિએશન દ્વારા, ધાટીયાં ફળિયા પાસે ભીડ ફળિયા ગણેશ મંડળ દ્વારા, ફરસાણી દુનિયા પાસે રાજપૂત સમાજ દ્વારા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે ભદ્રેશભાઈ મહેતા અને બુલિયન એસોસિએશન દ્વારા, શેઠિયા સમાજ વાડી પાસે વ્હોરા સમાજ દ્વારા,  કિશન ચિક્કી પાસે હાંડલા ગરબી મંડળ અને ખત્રી સમાજ દ્વારા, તળાવ શેરી પાસે દરજી સમાજ અને બ્રહ્મ સમાજ દ્વારા, દર્શન એન્જિનિયરિંગથી સંસ્કૃત ભારતીના માર્ગે નાગર સમાજ અને છઠ્ઠીબારી વેપારી એસોસિએશન દ્વારા, અને અંતે રેલીના સમાપન સ્થળ પૂજારા ટેલિકોમ પાસે ભુજ ચેમ્બર ઓફ કોમર્સ અને રબારી સમાજ દ્વારા નાયબ મુખ્યમંત્રીશ્રી અને અગ્રણીઓનું ઉત્સાહપૂર્વક અભિવાદન કરાયું હતું.

રોડ-શો ના સમાપન બાદ શ્રી હર્ષભાઈ સંઘવીએ ઉપસ્થિત સૌને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસીઓ તેમની અનેક વર્ષોની સરકારમાં વીજળી, પાણી, રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ પણ નહોતા અપાવી શક્યા જ્યારે ભાજપાના શાસનમાં આ મૂળભૂત સુવિધાઓ તો ઉપલબ્ધ બની જ છે અને સાથે રાજ્યનો સર્વાંગી વિકાસ પણ થયો છે. અસામાજિક તત્ત્વો અને અપરાધીઓની ગેરકાયદેસર મિલકતો અને દબાણો ઉપર આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું બુલ્ડોઝર ફરી રહ્યું છે. ભાજપાની સરકાર વિકાસની સુનિશ્ચિતતા સાથે કાયદા વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા માટે કટિબદ્ધ છે. તેઓએ સૌને સ્થાનિક વિસ્તાર, જિલ્લા અને સમગ્ર રાજ્યમાં વિકાસની ગતિને વેગ આપવા માટે તમામ સ્થાનોએ કમળ ખીલવવા નાગરિકોને આહ્વાન કર્યું હતું.

આજના આ ભવ્ય રોડ-શોને અભૂતપૂર્વ સફળતા મળી તે માટે ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કર અને શહેર સંગઠનની સમગ્ર ટીમ, સંગઠનના વિવિધ પદાધિકારીઓ, પૂર્વ નગરસેવકો સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોએ ખુબ જહેમત ઉઠાવી હતી.

આ અવસરે વિવિધ ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ, વિવિધ વ્યાપારી મંડળોના આગેવાનો અને અસંખ્ય કાર્યકરો સાથે ભુજના વિવિધ સમાજના આગેવાનએ અત્યંત જોમ અને જુસ્સાથી ભાગ લીધો હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ સૂનીલ માંકડની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.