સમુદ્રની નીચે બિછાવેલી ઈન્ટરનેટ કેબલ્સ કાપવાની ચેતવણી, દુનિયાભરમાં બ્લેકઆઉટનો ખતરો: ઈરાનની ‘ડિજિટલ’ ધમકી
copy image

ઈરાની સૈન્ય યુનિટ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સદ્વારા આપવામાં આવેલી એક તાજેતરની ચેતવણીએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. ઈરાની ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ , પર્શિયન ગલ્ફમાં સમુદ્રની નીચે બિછાવેલી ઈન્ટરનેટ કેબલ્સ અત્યારે જોખમમાં છે. જો આ કેબલ્સને ઇરાદાપૂર્વક કે ભૂલથી પણ નુકસાન પહોંચશે, તો માત્ર મિડલ ઇસ્ટ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મોટો ઈન્ટરનેટ આઉટેજ સર્જાઈ શકે છે. ખાસ કરીને ‘હોર્મુઝ સ્ટ્રેટ’ જે અત્યાર સુધી માત્ર ઓઇલ સપ્લાય માટે જાણીતું હતું, તે હવે ડિજિટલ દુનિયા માટે પણ અત્યંત સંવેદનશીલ બની ગયું છે. આ વિસ્તારની નીચેથી પસાર થતી ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ એશિયા, યુરોપ અને મિડલ ઇસ્ટને જોડે છે અને વિશ્વના કુલ ઇન્ટરનેટ ટ્રાફિકનો આશરે 17% થી 30% હિસ્સો સંભાળે છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જો આ અન્ડરસી કેબલ્સને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, તો તેની સીધી અસર ઇમેઇલ, વીડિયો કોલ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને ક્લાઉડ સર્વિસીસ પર પડશે. આ કેબલ્સ મોટા AI ડેટા સેન્ટર્સને પણ સપોર્ટ કરે છે, જેના કારણે ટેકનોલોજી પર નિર્ભર કંપનીઓને મોટું નુકસાન થઈ શકે છે. ભારત માટે પણ આ સ્થિતિ અત્યંત ગંભીર છે, કારણ કે ભારત દુનિયાના સૌથી મોટા ઈન્ટરનેટ યુઝર્સમાંનું એક છે.. જો અહીં કોઈ મોટી દુર્ઘટના ઘટે, તો ભારતમાં લાખો યુઝર્સની ઇન્ટરનેટ સ્પીડ ઘટવાની શક્યતા છે અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સહિત IT સેક્ટર પર તેની માઠી અસર પડી શકે છે.