દુબઈથી મુંદરા આવતાં જહાજ પર ઈરાનનો હુમલો

copy image

copy image

યુદ્ધથી ઊર્જા સંકટે સર્જેલા ઉચાટ વચ્ચે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ જવાનોએ બુધવારે હોર્મુઝમાં ફરી ભારત આવતાં એક સહિત ત્રણ જહાજ પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત થતી માહિતી અનુસાર  લાઈબેરિયાના ઝંડા સાથે દુબઈથી ભારતમાં ગુજરાતના મુંદરા બંદર તરફ આવી રહેલાં જહાજ પર હુમલા બાદ ઈરાની દળોએ આ એપામિનોડ્સ સહિત ત્રણ જહાજ પર કબજો કર્યો હતો. દુનિયાના સૌથી મહત્ત્વના સમુદ્રી માર્ગ હોર્મુઝમાં ઈરાની આક્રમણથી ફરી તણાવ વધ્યો છે. અમેરિકી નાકાબંદી વચ્ચે ત્રણ જહાજ પર ગોળીબારના બનાવથી ઊર્જા સંકટના વાદળો ઘેરાતાં દુનિયાભરના દેશોમાં ઉચાટ વધ્યો છે. ઈરાને આરોપ મૂક્યો હતો કે, આ ત્રણેય જહાજે સમુદ્રી નિયમોનો ભંગ કરીને પૂર્વ મંજૂરી વિના હોર્મુઝથી પસાર કરવા કોશિશ કરી હતી.. રાહતની વાત એ રહી હતી કે તમામ જહાજના ક્રૂ સભ્યો સુરક્ષિત છે. બ્રિટનની સમુદ્ર સુરક્ષા એજન્સીએ ઇરાની સેના દ્વારા ત્રણ જહાજ પર નિશાન સાધતાં ગોળીબારના અહેવાલો આપ્યા હતા. બીજીબાજુ ઇરાની સમાચાર એજન્સી `તસ્નીમ’ના અહેવાલ મુજબ એક જહાજે ઇરાનનાં સશત્ર દળોની ચેતવણીની અવગણના કરી હતી. અગાઉ પણ હોર્મુઝ સ્ટ્રેટમાં જ ભારતનાં બે જહાજ પર ઇરાનની સેનાએ હુમલો કર્યો હતો, ત્યારબાદ તાણ વધી ગઇ હતી. ભારતે તરત આકરી પ્રતિક્રિયા આપતાં ઇરાન રાજદૂતને બોલાવ્યા હતા. સાથોસાથ  આવી હરકતનાં ગંભીર પરિણામ ભોગવવાં પડશે તેવી ચેતવણી પણ આપી હતી. ઈરાનની સરકારી ટીવી ચેનલનાં અહેવાલ અનુસાર જે ત્રણ જહાજોને બંધક બનાવીને ઈરાન તરફ લઈ જવામાં આવ્યા હતાં તેમાં એક એમએસસી ફ્રાંકેસ્કા, યૂફોરિયા અને એપામિનોડ્સનો સમાવેશ થાય છે. આ જહાજ દુબઈથી પોતાની યાત્રા શરૂ કરીને ભારત આવી રહ્યું હતું ત્યારે ઈરાની દળ આઈઆરજીસીએ તેનાં ઉપર હુમલો બોલાવ્યો હતો અને તેને કબ્જામાં લીધું હતું. આ ઘટનાએ સમુદ્રી સુરક્ષા ઉપરાંત ભારત માટે પુરવઠાની ચિંતા પણ ઉભી કરી દીધી છે