રાઘવ ચઢ્ઢા સાથે છ લોકોએ આપનું ઝાડું છોડીને કમળ ધારણ કર્યો
copy image

આમ આદમી પાર્ટીને વર્ષ 2012માં પક્ષ રચના પછીનો સૌથી મોટો રાજકીય ઝટકો લાગ્યો હતો. રાઘવ ચઢ્ઢા સહિત સાત રાજ્યસભા સાંસદોએ આમ આદમી પાર્ટી સામે બળવો પોકારીને પક્ષમાં ભૂકંપ સર્જી દીધો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્યસભાનાં 10માંથી 7 સાંસદ એટલે કે, બે તૃતીયાંશ સદસ્યોએ આપ છોડીને ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેતાં આપમાં મોટું ભંગાણ પડયું છે. આપ સાથે છેડો ફાડયા બાદ રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાયા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને તેમને ભાજપની સદસ્યતા આપી હતી. રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને આપ છોડીને ભાજપમાં જોડાવાની ઘોષણા કરી હતી. ચઢ્ઢાએ કહ્યું હતું કે, રાજ્યસભામાં આપના કુલ સદસ્યોમાંથી બે તૃતીયાંશ સદસ્યએ બંધારણની જોગવાઈને અનુરૂપ ભાજપમાં વિલય કરવાનો નિર્ણય લીધો છે. ચઢ્ઢા, મિત્તલ અને પાઠક ઉપરાંત હરભજન સિંહ, રાજેન્દર ગુપ્તા, વિક્રમ સાહની અને સ્વાતિ માલીવાલે આપનું ઝાડું છોડીને કમળ ધારણ કરવાનો નિર્ણય લીધો હતો. ચઢ્ઢાએ આપમાં ભંગાણની જાહેરાત કરતાં કહ્યું હતું કે, રાજ્યસભામાં આપના 10 સાંસદ છે અને તેમાંથી બે તૃતીયાંશ અમારી સાથે છે. તેમણે આ તમામના હસ્તક્ષાર સાથે ભાજપમાં વિલયનો દસ્તાવેજ રાજ્યસભાના સભાપતિને સોંપી દીધો છે. ચઢ્ઢાએ કહ્યું હતું કે, જે આમ આદમી પાર્ટીને અમે અમારા લોહી-પસીનાથી સીંચ્યો અને અમારી જુવાનીનાં 1પ વર્ષ આપ્યા તે હવે પોતાનાં સિદ્ધાંતો, મૂલ્યો અને નૈતિકતાથી ભટકી ગયો છે. આ પક્ષ હવે દેશહિતમાં કામ નથી કરતો બલ્કે અંગત ફાયદા માટે કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષથી લાગતું હતું કે, હું ખોટા પક્ષમાં સાચો માણસ આવી ગયો છું. એટલે આપથી અલગ થઈને હવે જનતાની નજીક જઈ રહ્યો છું. હું તેમનાં કથિત ખોટાં કામોનો ભાગ બનવા નથી માગતો. હું તેમની મિત્રતાને યોગ્ય નથી કારણ કે, હું તેમનાં કામોમાં સામેલ થયો નથી. અમારી પાસે બે વિકલ્પ હતા. કાં તો રાજકારણ છોડવું અન્યથા સકારાત્મક રાજનીતિ કરવી. એટલે અમે નિર્ણય કર્યો છે કે, બંધારણની જોગવાઈનો ઉપયોગ કરીને ભાજપમાં વિલય કરવો. તેવું તેમણે જણાવ્યું હતું.