લોકશાહીનો અનોખો ઉત્સવ: સુરેન્દ્રનગરની બે સગી બહેનોએ લગ્નના ફેરા ફરતા પૂર્વે મતદાન કરી નાગરિક ધર્મ નિભાવ્યો

image-278

સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે લોકશાહીના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. વઢવાણ તાલુકાના મકવાણા પરિવારની બે દીકરીઓ, જ્યોતિબેન અને પૂજાબેન, જેમના આજે લગ્ન હતા, તેમણે જીવનના આ મહત્વપૂર્ણ દિવસે લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન મથકે જઈ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લાલ ચૂડા અને લગ્નના ભવ્ય પોશાકમાં સજ્જ આ નવવધૂઓએ મતદાન મથક પર આકર્ષણ જમાવ્યું હતું, જેનાથી અન્ય મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે તેમણે સમાજને સંદેશ આપ્યો હતો કે, લોકશાહીમાં દરેક મત કિંમતી છે અને કોઈપણ સંજોગોમાં મતદાન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે.

દીકરીઓના પિતા ગોવિંદભાઈ મકવાણાએ ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, આજે મારા ઘરે બે-બે દીકરીઓના લગ્નનો અવસર છે, પરંતુ રાષ્ટ્રના હિત અને લોકશાહીના મજબૂતીકરણ માટે મતદાન કરવું એ અમારી નૈતિક ફરજ છે. કન્યાદાન પહેલા મતદાન કરવું એ પરિવાર માટે સૌભાગ્યની વાત હોવાનું જણાવી તેમણે દરેક મતદારને અપીલ કરી હતી કે, લોકશાહીને મજબૂત બનાવવા માટે કોઈ પણ બાંધછોડ વગર અચૂક મતદાન કરવું જોઈએ.

મકવાણા જ્યોતિબેન અને પૂજાબેને આ તકે જણાવ્યું હતું કે, લગ્ન એ જીવનનો અંગત પ્રસંગ છે, જ્યારે મતદાન એ સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારી છે. તેમણે નક્કી કર્યું હતું કે લગ્નની વિધિઓ શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રના હિત અને શહેરના વિકાસ માટે મતદાન કરવું અનિવાર્ય છે. તેમની આ પહેલને વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. દરેક નાગરિકે કોઈપણ બહાના વગર અચૂક મતદાન કરવું જોઈએ તેવો સંદેશ આ બંને બહેનોએ આપ્યો હતો.

આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે, જ્યારે નાગરિકોમાં મતાધિકાર પ્રત્યે આટલી જાગૃતિ હોય, ત્યારે લોકશાહીના મૂળિયાં વધુ મજબૂત બને છે. મકવાણા પરિવારની આ પહેલે અનેક યુવા મતદારોને ઘરની બહાર નીકળી મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે.