એપ્રિલના અંત સુધીમાં ગરમીએ ભારતને હાલ-બેહાલ બનાવ્યું

એપ્રિલના અંત સુધીમાં તો ગરમીએ ભારતને હાલ-બેહાલ બનાવ્યું છે. વૈશ્વિક તાપમાનના આંકડાઓ મુજબ વિશ્વના 100 સૌથી ગરમ શહેરની સૂચિમાં ભારતના 92 શહેર છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ આંકડા દર્શાવે છે કે ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમીમાંથી પસાર થઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશનું બાંદા શહેર 47.4 ડિગ્રી સેલ્સિયસ સાથે દેશનું સૌથી ગરમ મથક બન્યું હતું. ગરમીની ભીષણતા એ હદે છે કે સહારા રણના અનેક શહેરો પણ અત્યારે ભારતીય શહેરોની  સરખામણીએ ઓછાં ગરમ છે. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ જેવા મહાનગરોમાં પણ તાપમાન 42-44 ડિગ્રી સે. જેટલું ઊંચે છે. ઉત્તરપ્રદેશનો બાંદા જિલ્લો શનિવાર અને રવિવારે માત્ર ભારત જ નહીં, દુનિયાનાં સૌથી ગરમ સ્થળમાં સામેલ હતો. અહીં મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સે. થઈ ગયું હતું જે સામાન્યથી 6.2 ડિગ્રી સે. વધારે હતું. હવે રાત્રે પણ લૂ ફૂંકાઈ રહી છે અને તેની પણ ચેતવણી આપવામાં આવી છે.