*જનતા જનાર્દનના પોલાદી પંજાએ કોંગ્રેસના પંજાને, ઝાડુ સહિત હડસેલી દીધો – દેવજી ભાઈ વરચંદ*

કચ્છની તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં કચ્છીજનોના અનરાધાર પ્રેમ, આશીર્વાદથી વધુ એક વાર લોકસેવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે – શ્રી વરચંદ* *મા આશાપુરાના ચરણે આભાર દર્શન કરી, મા ના સાંનિધ્યમાં લોકોનો ઋણ સ્વીકાર કરવા અધ્યક્ષ, સંગઠન હોદ્દેદારો, સર્વે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જીલ્લા મથક ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો* ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના આજે જાહેર થયેલ પરિણામોમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહ્યો છે ત્યારે કચ્છમાં પણ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ કમળ સોળે કળા એ ખીલ્યું છે અને જિલ્લા પંચાયતની 38 માંથી 34 બેઠકો, પ્રથમ વખત ચૂંટણી યોજાયેલી એવી નવનિર્મિત ગાંધીધામ મહાનગરપાલિકામાં 52 માંથી 41 બેઠકો, પાંચે પાંચ નગરપાલિકાઓ તેમજ નવે નવ તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીએ લોકોના પ્રેમ અને આશીર્વાદથી સ્પષ્ટ બહુમતી મેળવી છે અને ફરી એક વખત જનસેવા અને વિકાસ પથ પર અડગ સંકલ્પ સાથે ડગ માંડ્યા છે. આ હર્ષવર્ધક પરિણામો પશ્ચાત કચ્છ જીલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય, કચ્છ કમલમ ખાતે એક પછી એક બેઠકોના વિજેતા ઉમેદવારો એમના ટેકેદારો, સમર્થકોના ધાડેધાડા સાથે ઉમટતા હતા ત્યારે જીલ્લા ભાજપ કાર્યાલયમાં આનંદ અને ઉત્સાહ ચરમસીમાએ વર્તાઈ રહ્યા હતા. આ તબક્કે ઉપસ્થિત તમામ આગેવાનો, વિજયી ઉમેદવારો અને કાર્યકરોએ એકબીજાને મીઠુ મોઢું કરાવી, પરસ્પર શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ દ્વારા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, હિતેષભાઇ ખંડોર સહિત આગેવાનોએ આ વિજયને કચ્છભરના ખુણે ખુણે ફેલાયેલા ભારતીય જનતા પાર્ટીના નામી અનામી હજારો કાર્યકર્તાઓને સમર્પિત કરીને સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ લખપતથી રાપર સુધીના પરિણામોમાં સાર્વત્રિક ધોરણે ભાજપનો જે જ્વલંત વિજય જોવા મળ્યો છે તે કેન્દ્ર અને ગુજરાતની પરસ્પર તાલમેલથી ચાલતી ડબલ એન્જીન વાળી સરકારો દ્વારા જનહિતમાં જારી કરાયેલ અગણિત જનકલ્યાણકરી યોજનાઓની સ્વીકૃતિ તેમજ ભારતીય જનતા પાર્ટીના સર્વે કર્મઠ સૈનિકોને આભારી હોવાનું જણાવી વિશેષપણે માંડવી નગરપાલિકામાં 36 માંથી 36 બેઠકો મેળવી માંડવીને સંપૂર્ણ કોંગ્રેસમુક્ત બનાવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કચ્છની તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં જનતા જનાર્દનના સર્વોચ્ચ જનાદેશ, જનાધારને આધારે ભગવો લહેરાયો છે જે ખૂબ આનંદ અને ગૌરવની બાબત છે. આજે કચ્છ ભાજપ માટે સાચા અર્થમાં સોનાનો સૂરજ ઊગ્યો છે. વિશેષમાં સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ટકોર કરતા જણાવ્યું હતું કે એક નિષ્ઠાવાન જનસેવકને છાજે એવી રીતે પાર્ટીના અંત્યોદયના સિદ્ધાંતને અનુસરીને, પારદર્શક છબી સાથે પક્ષની ઊજળી પરંપરા આગળ ધપાવવામાં અવિરત, અવિરામ પ્રવૃત રહેવાનો સમય આવી ચુક્યો છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ ભવ્યાતિભવ્ય વિજયને મોદી સાહેબના વિકાસ, સુશાસન અને રાષ્ટ્રવાદી નેતૃત્વની જીત ગણાવી જણાવ્યું હતું કે લોકોએ વિકાસ મોડેલને વધાવ્યું છે, અપનાવ્યું છે અને ફરી વિકાસની રફતારને વેગ આપવા ભારતીય જનતા પાર્ટીની ઝોળીમાં ખોબેખોબા ભરીને મતો આપીને તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનું સુકાન સોંપ્યું છે. જિલ્લાભરના પરિણામો જાહેર થયા બાદ સાયંકાળે શ્રી વરચંદ સહિત જીલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રફુલસિંહ જાડેજા, અશોકભાઈ હાથી આશિકાબેન ભટ્ટ, ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કર, મહામંત્રી જીગરભાઈ શાહ સહિત ભુજ નગરપાલિકામાં ચૂંટાયેલા ભાજપના તમામ 28 નગરસેવકોએ કચ્છ દેશ કુળદેવી આઈ આશાપુરાના ચરણે શિશ ઝુકાવીને આભાર દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યાર બાદ મંદિર પરિસર બહારના ચોકમાં વિજયોત્સવ મનાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, તમામ નગરપાલિકાઓ તેમજ તમામ તાલુકા પંચાયતો કબ્જે કરીને જે ઐતિહાસિક વિજય આલેખ્યો છે એના પછવાડે પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઇ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઇ જોધાણી સહિત સમગ્ર જીલ્લા ભાજપ પરિવારનો સંગઠનાત્મક પુરુષાર્થ રંગ લાવ્યો હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.