ગાંધીધામ દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ

copy image

copy image

ગાંધીધામ શહેરમાં રહેનાર એક કિશોરીને લલચાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી, અપહરણ કરી લઇ જઇ બાદમાં બળાત્કાર ગુજારનારા શખ્સને અહીંની કોર્ટે 20 વર્ષની સખત કેદનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ કેસની મળતી વિગતો અનુસાર શહેરમાં રહેનાર એક કિશોરી સાથે બોટાદના શખ્સ સોશ્યલ મીડિયા થકી સંપર્કમાં આવ્યો હતો. આ શખ્સ ભોગ બનનાર સાથે મોબાઇલ ઉપર ચેટિંગ કરતો હતો. 17 વર્ષીય કિશોરીને લલચાવી, ફોસલાવી લગ્નની લાલચ આપી તેનું આ આરોપી અપહરણ કરી ગયો હતો. કિશોરીને જુદી જુદી જગ્યાએ લઇ જઇ તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે ગત તા. 24/4/2024ના ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં તેના વિરુદ્ધ તપાસ પૂરી થતાં વિશેષ પોક્સો કોર્ટમાં ડી.વાય.એસ.પી.એ ચાર્જશીટ રજૂ કરી હતી. ન્યાયાધીશ મૌખિક, દસ્તાવેજી તથા મેડિકલ પુરાવાઓ ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને 20 વર્ષની સખત કેદ તથા રૂા. 10,000નો દંડ, ફટકારતો ચુકાદો આપ્યો હતો તેમજ દંડની રકમ ન ભરે તો વધુ સજાનો આદેશ કરાયો હતો તેમજ વળતર યોજના તળે ડી.એલ.એસ.એ. ભુજને ભોગ બનનારને રૂા. 1 લાખ વળતર પેટે ચૂકવવા આદેશ કરાયો હતો અને આરોપી પાસેથી વસૂલ થયેલ દંડની રકમમાંથી રૂા. 20,000 ભોગ બનનારને ચૂકવી આપવા ચુકાદો અપાયો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલએ હાજર રહી દલીલો કરી હતી.