ઝુરા પાસે સોલાર વીજ સ્ટેશનમાં લાગેલી આગને કાબુમાં લાવતા સાત કલાક લાગ્યા

copy image

copy image

નિરોણા પાવરપટ્ટીના ઝુરા-પાલનપુર વચ્ચે હાઇવે રોડને અડીને આવેલા સોલાર વીજ સ્ટેશનમાં બુધવારની રાત્રે લાગેલી ભયાનક આગમાં લાખોની સોલાર સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.જિલ્લા મથકેથી અગ્નિશામક દળની ટીમ અને સ્થાનિક લોકોની ભારે જહેમત સતત છ કલાક સુધી ચાલેલી આગને કાબૂમાં આવી હતી.મળતી માહિતી અનુસંધાને બુધવારની મોડી સાંજે 7.30 વાગ્યાના અરસામાં વીજ સ્ટેશનના એક ખુલ્લા ભાગમાં આગ ફાટી નીકળી હતી. ભારે પવનને કારણે આગ ભયાનક સ્વરૂપ ધારણ કરતાં એ ખુલ્લા વિસ્તારમાં પડેલી સોલારની પ્લેટો, કોપર કેબલ, પ્લાસ્ટી અને લાકડાંની અનેક સામગ્રી બળીને રાખ થઈ હતી. આ આગમાં લાખોનું નુકસાન થયું હોવાનું કંપનીના સ્ટોર ઇન્ચાર્જ એસ. સરકારે જણાવ્યું હતું. સોલાર વીજ પ્રોજેક્ટનો ચાર્જ સંભાળતા સમીરભાઇ ચૌહાણના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટની આસપાસ અનેક ખેતરોમાં હાલ એરંડાનો પાક પૂર્ણ થયાં પછી તે પાકના કચરાને સળગાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરી દરમ્યાન આગનો તણખો પવન સાથે ઉડીને સોલાર પ્રોજેક્ટની સામગ્રીમાં પડતાં આગ લાગી હોવાનું જણાવ્યું હતું. નુકસાની અંગે માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું.