ભુજ નવા બસ પોર્ટ આગળની જૂની દુકાનો તોડી પાડાશે, રોડ પહોળો કરવા પાલિકાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે..

ભુજ શહેરમાં નવા બસ પોર્ટના વિકાસને વધુ ગતિ આપવા હવે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નવા બસ સ્ટેશન નજીક વર્ષોથી લિઝ પર આપવામાં આવેલી જૂની જર્જરીત દુકાનોને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવી માહિતી ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલે આપી છે. માહિતી અનુસાર, ભુજના નવા બસ પોર્ટ પાસે આવેલી દુકાનો વર્ષોથી લિઝ આધારે વેપારીઓને ફાળવવામાં આવી હતી. પરંતુ હવે નવા બસ પોર્ટના આધુનિક વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ દુકાનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલે જણાવ્યું હતું કે આગામી વર્ષાઋતુ પહેલા તમામ દુકાનદારોને નોટિસ આપી દેવામાં આવશે. ત્યારબાદ દુકાનો ખાલી કરાવીને તોડફોડની કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ બસ સ્ટેશન વિસ્તારને વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત બનાવવાનો છે. પાલિકા દ્વારા અહીં નવા અને પહોળા માર્ગનું નિર્માણ કરવાની યોજના છે. બસો સરળતાથી આવી-જઈ શકે અને મુસાફરોને પણ અવરજવર સરળ બને તે માટે રોડ પહોળો કરવામાં આવશે. આ સાથે બસ પોર્ટ આસપાસનો વિસ્તાર વધુ આધુનિક અને આકર્ષક બનાવવાની પણ યોજના છે.
ટ્વિંકલ પટેલે વધુમાં જણાવ્યું કે જો વેપારીઓ તરફથી સહકાર મળશે તો આ કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાશે. પાલિકા ઇચ્છે છે કે સમગ્ર પ્રક્રિયા સુચારૂ રીતે અને ઓછામાં ઓછા વિવાદ સાથે પૂર્ણ થાય. નવા બસ પોર્ટની આસપાસ વિકાસકાર્ય પૂર્ણ થયા બાદ આ વિસ્તારનો નજારો સંપૂર્ણપણે બદલાઈ જશે. આધુનિક સુવિધાઓ સાથે ભુજ શહેરને એક નવું અને સુવ્યવસ્થિત ટ્રાન્સપોર્ટ હબ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.