નખત્રાણાના સીમાડે ‘સોલાર’નો સંગ્રામ: માલધારીઓની મંજૂરી વિના કંપનીની મનમાની ચાલશે કે જનશક્તિનો વિજય થશે?

કચ્છની ધરા પર જ્યારે જ્યારે કુદરતી સંપત્તિ કે જમીન પર તરાપ મારવાના પ્રયાસો થયા છે, ત્યારે ત્યારે અહીંના ખમીરવંતા લોકોએ અવાજ ઉઠાવ્યો છે. હાલમાં નખત્રાણા તાલુકાના તલ, લૈયારી, છારી, પૈયા, મોતીચુર અને ફુલાય જેવા સરહદી ગામોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વિષય છે – સોલાર પ્રોજેક્ટના નામે કંપનીઓની કથિત મનમાની.

ગૌચર અને માલધારીઓનું અસ્તિત્વ જોખમમાં?
આ વિસ્તારના હજારો માલધારીઓ માટે આ જમીન માત્ર માટીનો ટુકડો નથી, પણ તેમના પશુધન માટેનું નસીબ અને જીવાદોરી છે. પશુપાલન પર નિર્ભર આ પરિવારોમાં અત્યારે એક જ ફાળ છે: “શું કંપની અમારી રજા વગર, અમારી જમીનો પર કબજો જમાવશે?” જે રીતે ખાનગી કંપનીઓ પોતાની જમાવટ કરવા ઈચ્છી રહી છે, તેનાથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

પંચાયતની મંજૂરી વગર ‘નો એન્ટ્રી’

લોકશાહીમાં ગ્રામ પંચાયત અને ગ્રામસભા સર્વોપરી છે. જો તલ-લૈયારી કે ફુલાયના ગ્રામજનો કે પંચાયત NOC (ના વાંધા પ્રમાણપત્ર) ન આપે, તો કંપની કયા જોરે ત્યાં પાયા નાખશે? માલધારીઓનો સ્પષ્ટ સૂર છે કે, “અમને વિશ્વાસમાં લીધા વગર અને પશુઓના ચરિયાણની ચિંતા કર્યા વગર જો સોલાર પ્લેટો નખાશે, તો સાંગનારા જેવું જ આંદોલન અહીં પણ છેડાશે.”

માલધારીઓનો મક્કમ નિર્ધાર

ભૂતકાળમાં પણ કચ્છના અનેક ગામોએ વિન્ડ ફાર્મ અને સોલાર કંપનીઓની દાદાગીરી સામે માથું ઊંચક્યું છે. અત્યારે આ છ ગામોમાં ‘સમાચાર અકબંધ’ છે, પણ શાંતિ પાછળ તોફાનના સંકેતો દેખાઈ રહ્યા છે. કંપનીએ સમજવું પડશે કે આ વિકાસ ત્યારે જ લેખાશે જ્યારે તેમાં સ્થાનિક માલધારીઓનો સાથ અને સહકાર હશે. પોતાની મનમાની ચલાવીને કે જમાવટ કરીને લોકરોષ વહોરવો કંપની માટે મોંઘો સાબિત થઈ શકે છે.

શું તંત્ર અને કંપની માલધારીઓને સાથે રાખીને પારદર્શક નિર્ણય લેશે? કે પછી ફરી એકવાર સામાન્ય માણસે પોતાના હક્ક માટે રસ્તા પર ઉતરવું પડશે? અત્યારે તો આખું નખત્રાણા આ ગામોની એકતા અને કંપનીના આગામી પગલાં પર મીટ માંડીને બેઠું છે.