કેનેડામાં 12 કરોડના ગાંજાની ચોરી; પાંચ મૂળ ભારતીય શખ્સો પકડાયા
copy image

કેનેડાના ઓન્ટારિયોમાં કાયદેસરના ગાંજાના ઉત્પાદનો ભરેલા ટ્રેલરની ચોરીના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. આશરે 20 લાખ કેનેડિયન ડૉલર ભારતીય ચલણમાં આશરે 12 કરોડ રૂપિયાની કિંમતના માલની ચોરીના આરોપમાં ભારતીય મૂળના પાંચ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર ટ્રેલર નાયગ્રા પ્રદેશમાંથી ચોરાયું હતું. તેમાં મોટી માત્રામાં કાયદેસર રીતે વેચાણ માટે તૈયાર કરાયેલા ગાંજાના ઉત્પાદનો હતા, જે ઓન્ટારિયોના વિવિધ લાઇસન્સ પ્રાપ્ત દવાખાનાઓમાં સપ્લાય કરવાના હતા. કેનેડામાં ગાંજાનું વેચાણ અને સેવન કાયદેસર હોવાથી આ એક મોટો વ્યાપારી જથ્થો હતો, જે ડિલિવરી થાય તે પહેલા જ લૂંટી લેવાયો હતો. આ ઘટના 15મી એપ્રિલના રોજ પ્રકાશમાં આવી હતી. . મિસિસૌગામાં મેકલોફલિન રોડ અને હાઇવે 401 પાસે શંકાસ્પદ હલચાલ દેખાતા પોલીસને જાણ કરાઇ હતી. તપાસ દરમિયાન અધિકારીઓને લૂંટાયેલું ટ્રેલર મળી આવ્યું હતું અને સ્થળ પરથી પાંચ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી. તેમની તલાશી લેતા બે ગેરકાયદે હથિયારો પણ મળી આવ્યા હતા. વધુ તપાસ હાથ ધરાઇ છે યોર્ક પ્રાદેશિક પોલીસના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કેસમાં કોઈ મોટું નેટવર્ક સામેલ હોવાની આશંકા છે. હાલ તપાસ ચાલુ છે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ પાસે આ ઘટના અંગે વધારાની માહિતી હોય તો તેઓ ક્રાઈમ સ્ટોપર્સનો સંપર્ક કરી શકે છે.