*ભુજ તાલુકાના કોડકી ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી વૃક્ષારોપણ કરી ગ્રામની સ્વચ્છતા ડ્રાઇવમાં સહભાગી બન્યા*  

કોડકી ગામની એકતા અને ભાઈચારાની ભાવનાને બિરદાવતા રાજ્યપાલશ્રીએ ગામને સ્વચ્છ રાખવા સાથે રોપિત વૃક્ષોનું જતન કરવા કર્યો અનુરોધ*

 કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સમીસાંજે ભુજ તાલુકાના કોડકી ગામે “એક પેડ મા કે નામ” અભિયાનને વેગવંતુ બનાવવા ગામના બાગ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ સાથે સ્વચ્છતાનો સંદેશો આપવા રાજ્યપાલશ્રીએ ગામની સ્વચ્છતા ડ્રાઇવમાં સહભાગી બની ગામના લોકો સાથે મળીને ચોકમાં સફાઇ કરી હતી. 

સૌ પ્રથમ રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા વડાપ્રધાનશ્રીના “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ ગામના નારાયણ દેવ બાગ ખાતે વૃક્ષારોપણ કરીને ગ્રામજનોને વૃક્ષો વાવી તેના જતનના સંકલ્પ તથા એક પણ વૃક્ષ મુરઝાઇ ન જાય તેની તકેદારી સાથે ગામને હરીયાળું બનાવવા અનુરોધ કર્યો હતો.  આ સાથે સ્વચ્છતાને પ્રોત્સાહન તથા સ્વચ્છ ગામના સંદેશ સાથે ગામના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનીને રાજ્યપાલશ્રીએ ગામના વથાણ ચોકમાં સફાઇ કરી હતી. 

આ પ્રસંગે કોડકી ગામે અતિથિ બનીને આવ્યાની ખુશી વ્યક્ત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, શહેર કરતા પણ કોડકી ગામ સુંદર છે, જે ગ્રામજનોની મહેનત દર્શાવે છે. તેમણે ગામની એકતા અને ભાઈચારાની ભાવનાને બિરદાવતા ગ્રામજનોને  ગામ, ગલી તથા જાહેર વિસ્તારોને પોતાના ઘરની જેમ જ સ્વચ્છ રાખવા તેમજ ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવીને પર્યાવરણ તથા મનુષ્યના સ્વાસ્થ્યને બચાવવા અનુરોધ કર્યો હતો. 

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, ડીઆરડીએના ડાયરેક્ટરશ્રી નિકુંજ પરીખ, પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, ગ્રામ સરપંચશ્રી વંકાભાઈ  રબારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

*****