કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી: ધધાર–સાધરા રોડ પર મોતનો ખાડો, એક જ રાતમાં 9 લોકો ઘાયલ, તંત્ર ક્યારે જાગશે?

સ્તો કે મોતની જાળ? કચ્છમાં વિકાસના નામે લોકોના જીવ સાથે રમત રમાઈ રહી છે. ધધારથી સાધરા જતા માર્ગ પર કોન્ટ્રાક્ટરની હદ વટાવી દેનારી બેદરકારીએ 9 નિર્દોષ લોકોને લોહીલુહાણ કરી દીધા. પુલિયાના કામ માટે રસ્તાની વચ્ચે ઊંડો ખાડો ખોદીને કોન્ટ્રાક્ટર તો રફુચક્કર થઈ ગયો, પણ ત્યાં એક નિશાન ન મૂક્યું, એક બેરિકેડ ન લગાવ્યું, એક ચેતવણીનું પાટિયું સુધ્ધાં ન લટકાવ્યું.
અને પરિણામ? રાતના અંધારામાં ધસમસતી આવેલી એક સ્વિફ્ટ કાર સીધી એ મોતના ખાડામાં ખાબકી. કારમાં બેઠેલા પાંચ લોકોની ચીસોથી રાત ચિરાઈ ગઈ. હાડકાં ભાંગ્યા, માથા ફૂટ્યા, લોહીના ખાબોચિયા ભરાયા. માંડ લોકો કારમાંથી બહાર કાઢે ત્યાં બે બાઈક પણ એ જ ખાડામાં પટકાયા. બાઈક પરના ચાર જણા ફંગોળાઈને પથ્થર પર પછડાયા. કોઈનો પગ ભાંગ્યો તો કોઈનું માથું ફાટ્યું.
કુલ 9 ઘાયલોને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે ભુજની હોસ્પિટલે દોડાવવા પડ્યા. કોઈ માનો દીકરો, કોઈ બાપનો આધાર, કોઈ બહેનનો ભાઈ આજે હોસ્પિટલના બિછાને પીડાથી કણસી રહ્યો છે. આનું જવાબદાર કોણ? જે કોન્ટ્રાક્ટરે ખાડો ખોદીને ખુલ્લો મૂકી દીધો એ એ? કે પછી એ તંત્ર જે ઊંઘમાં છે અને સાઈટ પર ચેકિંગ કરવા સુધ્ધાં નથી આવતું?
જાહેર રસ્તા પર ખાડો ખોદીને લોકોના જીવ જોખમમાં મૂકનાર કોન્ટ્રાક્ટર સામે હત્યાના પ્રયાસનો ગુનો કેમ ન નોંધવો? જે અધિકારીની સહી થી બિલ પાસ થાય છે એ આ ખાડો જોવા કેમ નથી આવતા? શું કોઈના મરવાની રાહ જોવાય છે? તંત્રને વિનંતી છે, આંખો ખોલો. આ ખાડો પૂરો એ પહેલા કોઈનો જીવ જતો રહેશે તો એ પાપ તમારા માથે રહેશે.
તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને તેની સામે ફોજદારી કાર્યવાહી કરો અને તમામ ઘાયલોની સારવારનો ખર્ચ વસૂલ કરો. જો હવે પણ તંત્ર નહીં દોડે તો પ્રજા રસ્તા પર ઉતરશે.